13 નવેમ્બર 2023, અમદાવાદ: હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થઈ રહ્યા છે. 


આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી સૌએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો.


આ ભવ્ય અન્નકૂટની તૈયારીઓ છેલ્લાં 45 દિવસથી ચાલી રહી હતી. સમગ્ર અન્નકૂટની મંદિરમાં મૂર્તિઓ સમક્ષ ગોઠવણીને કુશળ આર્કિટેક્ટસ્ ના માર્ગદર્શન હેઠળ અત્યંત ઝીણવટપૂર્વક આયોજિત કરવામાં આવી હતી, જેમાં અન્નકૂટમાંની જે તે વાનગીઓને તેઓના પ્રકાર, સંખ્યા અને રંગ અનુસાર વર્ગીકૃત કરી ભગવાન સમક્ષ ગોઠવવામાં આવી હતી.


પૂજ્ય સંતો ઉપરાંત સમગ્ર અમદાવાદમાંથી સેંકડો યુવકો, પુરુષ હરિભક્તોની સાથે સાથે 1500 કરતાં વધુ યુવતીઓ અને મહિલા હરિભક્તો દ્વારા છેલ્લાં એક મહિનામાં નિયમિતરૂપે આ અન્નકૂટને લગતી અનેકવિધ સેવાઓમાં ભક્તિસભર શ્રમદાન કરવામાં આવ્યું હતું.


આશરે દોઢ લાખ જેટલાં અન્નકૂટ પ્રસાદના બૉક્સને જર્મન ટેકનૉલોજી યુક્ત આધુનિક મશીનોના ઉપયોગથી ઑક્સિજન-નાઈટ્રોજન પેકિંગ દ્વારા, હાયજેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.


અન્નકૂટ પ્રસાદનું વિતરણ ભક્તો અને દર્શનાર્થીઓની સાથે શહેરના અનેક મંદિરોમાં તથા અનેક ગરીબ, જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવશે.


અન્નકૂટની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોની દૃઢતા કરાવતા સનાતન સંસ્કૃતિ દર્શન પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો સૌ અન્નકૂટ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.


આજે ઠાકોરજી સમક્ષ યોજાયેલ આ ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10:30 થી સાંજના 7 વાગ્યા સુધી કરી શકાશે.