Ahmedabad : અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ઉસ્માનપુરામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉસ્માનપુરામાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં જ 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. 


આ સિવાય ચકુડિયા વિસ્તારમાં 6 ઇંચ, વિરાટનગરમાં સવા 5 ઇંચ, મેમકો વિસ્તારમાં પોણા પાંચ ઇંચ, ઓઢવમાં 4.5 ઇંચ, દુધેશ્વરમાં 4 ઇંચ, મણીનગરમાં સવા ત્રણ ઇંચ, ખમાસામાં 4 ઇંચ, બોડકદેવમાં 3 ઇંચ, ચાંદખેડામાં પોણા ત્રણ ઇંચ, સાયન્સ સિટીમાં બે ઇંચ, ગોતામાં બે ઇંચ, સરખેજમાં સવા બે ઇંચ, કોતરપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. 


આ સિવાય અમદાવાદમાં ભારે વરસાદને પગલે શહેરના 4 અંડરપાસ બંધ કરવા પડ્યા હતા, જેમાં શાહીબાગ અંડરપાસ, અખબાર નગર અંડરપાસ, પરિમલ અંડરપાસ અને મીઠાખળી અંડરપાસનો સમાવેશ થાય છે.


કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ 
ભારે ઉકળાટ બાદ આખરે અમદવાદમાં મેઘ મહેર થઈ છે. શહેરમા અનેક વિસ્તામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે પ્રથમ વરસાદમાં જ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના રોડ રસ્તા સહિત અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ હતી.


અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા હાટકેશ્વર સર્કલ પાણીમાં ગરકાવ થયું છે.  ઢીંચણથી ઉપર સુધીના પાણી ભરાતા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંજ વેજલપુર, નિકોલ, પ્રહલાદ નગરમાં પણ પાણી ભરાયા છે. આ ઉપરાંત પ્રહલાદનગર ગાર્ડન પાસે રસ્તાની વચ્ચોવચ વૃક્ષો ધરાશાયી થયું છે. રસ્તાની ચ્ચોવચ્ચ વૃક્ષ પડતા ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે.