Ahmedabad News: ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટથી 4 આઈએસઆઈએસના આતંકી ઝડપી પાડ્યા છે. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના વતની છે. ડીજી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સમાં આતંકી કેવી રીતે પકડાયા, તેમની પાસેથી શું મળ્યું તેની માહિતી આપી હતી
ડીજી, વિકાસ સહાયે કહ્યું, 18 મે ના રોજ ATS ના Dysp હર્ષ ઉપાધ્યાયને 4 વ્યક્તિ મોહંમદ નુસરત, મોહંમદ ફારિસ, મોહંમદ રઝદીન અંગે મહિતી મળી. તેઓ ઈસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો હોવાની અને ભારતમાં કોઇપણ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના તથા હવાઈ કે રેલ માર્ગે આવશે તેવી માહિતી મળી હતી. જેના આધારે રણનીતિ ઘડવામાં આવી હતી. તેઓ કયા રસ્તે આવવાના હતા અને સમય અંગે માહિતી ન હોવાથી ટીમ બનાવી હતી.
દક્ષિણ ભારતથી આવતી તમામ ટ્રેન અને ફ્લાઇટનું લિસ્ટ એનાલિસિસ કરવામાં આવ્યું અને એક ટીમને તેમાં સફળતા મળી. ઇન્ડિગોની ફ્લાઈટ લિસ્ટમાં તેમના નામ મળ્યા. કોલંબોથી પણ વેરિફિકેશન કરાયું, ત્યાંથી જાણવા મળ્યું કે ચેન્નાઈ આવવાના છે. અમદાવાદ એરપોર્ટ પર એટીએસની ટીમ બનાવી વોચ રાખી હતી. 19 તારીખે ચેન્નાઈ પહોંચ્યા, જ્યાંથી સાંજે અમદાવાદ આવ્યા. જેવા અમદાવાદ એરપોર્ટ આવ્યાં ત્યાંથી અટક કરાઈ હતી.
આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે
અંગ્રેજી કે હિન્દી આવડતી નથી, તેઓ તમિલ જ જાણે છે, જેથી તમિલ ભાષાના જાણકાર ને બોલાવવામાં આવ્યા હતા. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના કોલંબોના હતાં. પૂછપરછમાં 2 મોબાઈલ, પાસપોર્ટ, ભારત અને શ્રીલંકા કરન્સી અને isis નો ઝંડો મળ્યો હતો. આ ચારેય પાકિસ્તાનમાં રહેતા isis આતંકી અબુના સંપર્કમાં આવ્યા હતા. અબુએ ભારતમાં આતંકી પ્રવૃત્તિ માટે દુષ્પ્રેરણા આપી હતી. અબુએ શ્રીલંકન કરન્સીમાં 4 લાખ આપ્યા હતા. તેમના મોબાઈલમાં અલગ અલગ વીડિયો છે કે તેઓ isis ના સક્રિય સભ્ય હતાં.
3 પિસ્ટલ મળી
મોબાઈલમાં કેટલાક ફોટા અને લોકેશન મળ્યા, જે અમદાવાદના નાના ચિલોડાના હતા. પાકિસ્તાન હેન્ડલરે એક જગ્યાએ હથિયાર મૂકેલા હતા , તેના ફોટા લોકેશન મળ્યા હતા. માહિતીના આધારે નાના ચિલોડમાં એટીએસ પહોંચી હતી.
ત્યાંથી મોબાઈલમાં ફોટા પ્રમાણે હથિયાર મળ્યા હતા. પિસ્ટલ પરથી સ્ટારનું નિશાન મળ્યું હતું, જે પાકિસ્તાનમાં નિશાન હોય છે. 3 પીસ્ટલ લોડેડ હતી, 20 કારતૂસ મળ્યા હતા. નાના ચિલોડા પાસેથી લોકેશન પરથી isis નો ઝંડો મળ્યો છે. 4 સામે એટીએસમાં ફરિયાદ દાખલ થઈ છે. પકડાયેલ આરોપીની પૂછપરછ ચાલુ છે. કઇ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા, તે અંગે તપાસ ચાલુ છે.
જોકે પકડાયેલા આતંકીના કહેવા પ્રમાણે અબુએ પહેલા હથિયાર લેવાં કહ્યું હતું, બાદમાં હુમલા કરવાની માહિતી આપવાની હતી. પ્રોટોન મેઈલ મારફતે અબુ અને આતંકીઓ સંપર્કમાં હતા. શ્રીલંકા એમ્બસીને આ બાબતે જાણકારી આપવામાં આવશે.