Gujarat: આજથી માલધારી સમાજ સરકાર સામે આંદોલન કરશે. અમદાવાદના બાપુનગરમાં મોટી સંખ્યામાં માલધારીઓ એકઠા થશે અને રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો વિરોધ કરશે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ રખડતા ઢોર નિયંત્રણ પોલિસી માટે અંતિમ નોટિસ જાહેર કરી છે. નોંધણી વગરના પશુઓની નોંધણી કરાવવા નોટિસ જાહેર કરવામાં આવી છે. આગામી સપ્તાહથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડી માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ એક વીડિયો શેર કરી આ જાહેરાત કરી હતી. માલધારી એકતા સમિતિએ આંદોલનની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું હતું. તેમણે કહ્યું કે, માલધારી સમાજની લડત ચાલુ થવાની છે તેમાં આ લડત રખડતા પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની નથી. પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે.
અમદાવાદના બાપુનગરના ભીડભંજન મંદિરે મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકઠા થશે. રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગોચરને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલીસી જાહેર કરી હતી. જે બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.
થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં વૃદ્ધને હાર્ટ અટેક આવતા વિવાદ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. નોંધનીય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ મનપાએ તપાસ શરૂ કરી હતી.
આ મામલે અમદાવાદ મનપાની ઓફિસનો માલધારી સમાજે ઘેરાવ કર્યો હતો. માલધારી સમાજના લોકો અમદાવાદ કોર્પોરેશન પહોંચ્યા હતા. માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ એએમસીએ દાવો કર્યો હતો કે મૃતકને હ્યદયની સમસ્યા હોવાના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.