Ahmedabad News: અમદાવાદમાં ડ્રગ્સના નશાનો કારોબાર દિવસેને દિવસે ફૂલ્યો ફાલ્યો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કોકેન સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પુછપરછમાં કેટલીક ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્સની રેવ પાર્ટી અમદાવાદ સહિત આસપાસના અલગ અલગ ફાર્મ હાઉસમાં બેરોકટોકપણે કરતા હતા.
યુગાન્ડાની યુવતી મુંબઈથી કોકેઈનની ડિલિવરી કરવા આવી હતી
અમદાવાદ સહિત રાજ્યમાં પહેલા દારૂ અને હવે ડ્રગ્સના નશાનો કારોબાર ધમધમી રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ત્રણ દિવસમાં કેફી પદાર્થ મળી આવવાના 2 કિસ્સાની ફરિયાદ નોંધી છે. જે પૈકી એક કિસ્સામાં શહેરના પાલડી પાસે આવેલ ભુદરપુરા રોડ પર યુગાન્ડાની યુવતી પાસેથી 51 ગ્રામ કોકેન ઝડપાઈ પાડ્યું. ક્રાઈમ બ્રાન્ચે રસીમુલ રિચેલ સહિત શાલીન કલ્પેશ શાહ અને આદિત્ય સુરેશ પટેલ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. યુગાન્ડાની યુવતી મુંબઈથી કોકેઈનની ડિલિવરી કરવા અમદાવાદ આવી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા જ ડિલિવરી કરે તે પહેલા તેની ધરપકડ કરી લેવામાં આવી. અંદાજે ચાર લાખની કિંમતના 51 ગ્રામ કોકેન સહિત 29 લાખના મુદ્દા પણ જપ્ત કર્યો છે
ડ્રગ્સની ડિલિવરી માટે એક ટ્રીપના મળતા હતા આટલા રૂપિયા
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ કરતા કેટલીક ચોકાવનારી બાબતો સામે આવી છે. આ પહેલીવાર નહીં પરંતુ યુગાન્ડાની રસીમુલ રિચેલ મુંબઈથી 8 વાર અન્ય કેફી પ્રકારના ડ્રગ્સની ડિલિવરી કરવા અમદાવાદ આવી ચૂકી છે. ડ્રગ્સની ડિલિવરી માટે એક ટ્રીપના 10000 રૂપિયા ઉપરાંત હોટલમાં રહેવાનું અને ખાવાની વ્યવસ્થા પણ તેને મળતી.
યુવતી ભારતમાં મેડિકલ વિઝાના આધારે આવી હતી
મોટી વાત તો એ છે કે યુગાન્ડાની યુવતી ભારતમાં મેડિકલ વિઝાના આધારે આવી હતી તેના વિઝા પૂર્ણ થઈ ગયા છતાંય તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહે છે. અમદાવાદમાં દર વખતે અલગ અલગ પ્રકારે ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવતી. આ વખતે તેને અન્ય યુગાન્ડાની યુવતીનો પાસપોર્ટ લઈને આવી હતી. આરોપી શાલીન અને આદિત્યની પૂછપરછ કરતા તેમને સ્વીકાર્યું છે કે ભૂતકાળમાં અનેકવાર તેઓ રેવ પાર્ટી માટે ડ્રગ્સ મંગાવતા અને અમદાવાદ સહિત આસપાસના ફાર્મ હાઉસમાં મિત્રોને બોલવી તેનો નશો કરતા.
ઝડપાયેલા આરોપી પૈકી આદિત્ય પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થઈ ચૂકેલ છે. બે દિવસ પહેલા પણ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી 203 ગ્રામ એમડી ડ્રગ્સની સાથે એક આરોપીની ધરપકડ કરી હતી