Ahmedabad News: વિરમગામ અંધાપા કાંડનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટે ઘટનાને ધ્યાને લઇ સુઓમોટો દાખલ કરી છે. આ મામલે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. સમાચારોના અહેવાલને આધારે ન્યાયાધિશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધિશ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો લઈને આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.  હાઇકોર્ટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે. આ સુઓમોટો પર 7મી ફેબ્રુઆરીએ વિગતવાર સુનાવણી થશે.


આ મામલે કોર્ટે નોંધ્યું કે સમાચારમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં અમદાવાદના વિરમગામની માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીથી કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. આ ઓપરેશન બાદ 15થી વધુ દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. લોકોએ જ્યાં ઓપરેશન કરાવ્યું હતું તે રામાનંદ હોસ્પિટલ સેવાનિકેતન ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે. ઓપરેશન દરમિયાન ફેસિલિટીમાં ખામી હતી કે મેડિકલ ઇક્વીપમેન્ટની સાર સંભાળ રાખવામાં આવી નહોતી કે પછી આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા? આ મામલે હજુ સુધી મેડિકલ કર્મી સામે પોલીસમાં ફરિયાદ થઈ નથી. કોર્ટે કહ્યું કે આ મામલે પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ કેસ 7મી ફેબ્રુઆરીએ ચીફ જજ કોર્ટમાં ચાલશે.


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લીધી મુલાકાત


માંડલમાં આવેલ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં આંખની સારવાર કરાવ્યા બાદ  માંડલથી વધુ 12 દર્દીને અમદાવાદ સરકારી આંખની હોસ્પિટલમાં ખસેડાયા છે. અસરગ્રસ્ત 17 દર્દીઓને અમદાવાદ સરકારી આંખની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમણે અમદાવાદ સરકારી આંખની હોસ્પિટલમાં દર્દીઓની ચાલી રહેલા સારવાર અંગે માહિતી મેળવી હતી. હોસ્પિટલના તબીબો પાસેથી દર્દીઓની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું આ પ્રકારના કિસ્સામાં અનેક વાર પગલાં લેવામાં આવ્યા છે, હોસ્પિટલના સિલ કરવા સહિત દંડની કાર્યવાહી કરવામાં આવી છે.


વિરમગામમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે મોતિયાનો કેમ્પ કર્યો હતો. જેમાં મોતિયાના દર્દીઓનું ઑપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 17 જેટલાં લોકોએ આંખ ગુમાવી દીધાની ફરિયાદ ઉઠી હતી. જે મામલામાં આરોગ્ય વિભાગ નવ સભ્યોની તપાસ સમિતિ રચી છે અને હાલ પૂરતું જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હોસ્પિટલને કોઈ પણ સર્જરી નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.