Ahmedabad News: અમદાવાદમાં કાશ્મીરથી હથિયાર લાવી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. બનાવટી લાઈસન્સના આધારે હથિયાર વેચાણનું રેકેટ ચાલતું હતું. આ કેસમાં સોલા પોલીસે ગાંધીનગરના પ્રતિક ચૌધરીની ધરપકડ કરી હતી. ઝડપાયેલ પ્રતિક પાસેથી 32 બોરની રિવોલ્વર અને 12 જીવતા કારતૂસ અને 4 ફૂટેલા કારતુસ મળી આવ્યા હતા. કાશ્મીરના રસપાલ કુમાર ફૌજી પાસેથી હથિયાર ગુજરાત લાવી વેચાણ કરતા હતા. આ કેસમાં કોર્ટે ઓરાપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સોલા પોલીસ તપાસ માટે જમ્મુ કાશ્મીર જશે.


પોલીસે શું કહ્યું


જે બાદ ડીસીપી ઝોન- 1 લવિના સિન્હાએ જણાવ્યું, બાતમીના આધારે તપાસ કરી હતી. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરી છે, જે આસામ રાઇફલમાં હતો. પ્રતિકે જમ્મુથી હથિયાર મંગાવ્યા હતા. જે વપરાયેલી કારતૂસ મળી આવ્યા, તે ટ્રાયલ માટે વાપર્યા હતા. 3 આરોપી એકબીજાના સંપર્કમાં હતા. 4 - 5 વર્ષથી હથિયારના કામ સાથે જોડાયેલા હતા.  6 ગ્રાહકોને હથિયાર ડિલિવરી કરી હતી. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં હથિયાર વેચાણ કરતા હતા. તેમણે 10 થી 15 લાખ અને 25 લાખમાં હથિયાર વેચ્યા છે, હજુ પણ હથિયાર લાવવાનો હતો. ગ્રાહકો સુરક્ષા માટે જ હથિયાર ખરીદતા હતા અને હથિયારના ફેક લાયસન્સ આપતા હતા. ઝડપાયેલો આરોપી પોતે આર્મીમાં છે કે કેમ તે બાબતે આઇકાર્ડ પણ નથી મળ્યા અને તે ખરાઈ કરવામાં આવશે.




શું છે મામલો


સોલા પોલીસે ઓગણજ સર્કલ પાસે ગઈકાલે બપોરના સમયે એક કારચાલકને શંકાને આધારે રોકીને  તપાસ કરતાં તેની પાસેથી રિવોલ્વર, 12 જીવતા કારતુસ અને ચાર ફુટેલા કારતુસ મળી આવ્યા હતા. આ  રિવોલ્વર જમ્મુ કાશ્મીરથી એક એજન્ટની મદદથી લાવ્યો હતો. એટલું  જ નહી નવ જેટલી રિવોલ્વર સપ્લાય કરીને હથિયારના બનાવટી લાયન્સ બનાવ્યા હતા. આ ખુલાસા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વધુ યુવકની વધુ પુછપરછ હાથ ધરી છે.સોલા પોલીસનો સ્ટાફ  રવિવારે બપોરના સમયે ઓગણજ સર્કલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે  એક કારચાલક વૈષ્ણોદેવી સર્કલ તરફ પસાર થવાનો છે. જેની પાસે હથિયાર છે. જેના આધારે વોચ ગોઠવીને એક વ્યક્તિને શંકાને આધારે રોકીને કારમાં તપાસ કરતા એક રિવાલ્વર, 12 જીવતા કારતુસ અને ચાર ફુટેલા કારતુસ મળી આવ્યા હતા.પુછપરછમાં કારચાલકનું નામ પ્રતિક ઇશ્વરભાઇ ચૌધરી (રહે. પ્રમુખ ટ્રીનીટી, સરગાસણ ચાર રસ્તા, ગાંધીનગર) હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી જપ્ત કરાયેલી રિવોલ્વર અને કારતુસ અંગે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે જમ્મુ કાશ્મીર ખાતેથી રસપાલકુમાર ફૌઝી (રહે. ફકીરચંદ ગામ,સાહિબ જિલ્લા, કાશ્મીર ) મારફતે મનિન્દર કોતવાલ પાસેથી 65 હજાર રૂપિયામાં ખરીદી હતી.  એટલું જ નહી તેણે આ રીતે 9 થી 10 હથિયાર જમ્મુથી લાવીને  અલગ અલગ લોકોને વેચાણ પણ આપ્યા અને હથિયારના બનાવટી લાયસન્સ પણ આપ્યા હતા.