અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર (Gujarat Corona Cases) મચાવ્યો છે અને દૈનિક 5 હજારથી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે અને ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન આજે સવારે ફરીથી ઝાયડ્સ હોસ્પિટલ (Zydus Hospital) ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું (Remdesivir Injection) માંગ ફરી વેચાણ શરૂ થયું છે.



ઝાયડસે એક દિવસ વેચાણ બંધ રાખ્યા બાદ આજથી પુનઃ વેચાણ શરૂ કર્યુ છે. ઝાયડ્સ હોસ્પિટલની બહાર 500થી વધુ લોકોએ વહેલી સવારથી લાઈન લગાવી હતી. ગુજરાતભરમાંથી દર્દીના પરીવારજનો આ ઈન્જેક્શન મેળવવા ઉમટી પડ્યા છે. રાતના ૧૨ વાગ્યાથી રેમડેસિવાર ઇન્જેક્શન મેળવવા મહેસાણા, સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લોકો હોસ્પિટલ આગળ પહોંચી ગયા હતા. જેના કારણે ઝાયડ્સ હોસ્પિટલના ભોંયરાથી ચાર રસ્તા સુધી લાંબી લાઇન લાગી છે.


લોકોના કહેવા મુજબ 1500 લોકોનું લિસ્ટ બનાવાયું છે. જેમાંથી 600 લોકોને આજે ઈન્જેક્શન આપવામાં આવશે. તેને લઈને લોકોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં નિયમોનો ભંગ પણ થતો જોવા મળ્યો હતો.


આ ઈન્જેકશનના આડેધડ ઉપયોગથી થઈ શકે છે.....


ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.


ગઈકાલે શું કહ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાગતી લાઇનો મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે કોઈ 24-48 કલાક ઉભા રહેતું નથી. થોડીકવાર ઉભું રહેવું પડે છે. હું કહું તમને ઝાયડસે એક વધારાની વ્યવસ્થા કરી. સરકારે અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય કે રાજકોટ હોય સરકાર ડાયરેક્ટ કોઈને ઇન્જેક્શન આપતી નથી અને આપવાની પણ નથી. કારણ કે, કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, એનો કોઈ હિસાબ-કિતાબ નથી. સરકારે જેટલી કોવિડ હોસ્પિટલો છે, ખાનગી કે સરકારી. એમને હોસ્પિટલને આપવાનો નિર્ણય કર્યો છે. દાખલા તરીકે, રાજકોટ. એમણે હેલ્પલાઇન ઉભી કરી છે. એ નંબર પર સરકારી સિવાયની ખાનગી હોસ્પિટલના ડોક્ટર વોટ્સએપ પર પ્રિક્રિપ્શન મોકલે અને માણસ મોકલે એટલે એક કલાકમાં એને ઇન્જેક્શન સરકાર આપી દે છે. પણ આપે છે કોને, હોસ્પિટલોને જ. નર્સિંગ હોમોને જ.   તેમણે ઉમેર્યું હતું કે, પેશન્ટને સીધા ઇન્જેક્શન નથી આપતા. કેડિલાએ પેશન્ટની લાગણીઓને ધ્યાનમાં પોતાના ડેપો ઉપર આ વ્યવસ્થા ગોઠવી છે. કેડિલાએ સારી વ્યવસ્થા કરી. 10 હજારથી વધુ લોકોને ઇન્જેક્શન આપ્યા પણ ખરા. સારું કર્યું છે. ગુજરાતમાં જેને રેમડેસિવિરની જરૂરિયાત છે, એને આપણે આપવા માટે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છીએ. ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે જેને રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. એટલે આપણે પહોંચી વળીએ છીએ. બીજા રાજ્યોમાં વ્યાપક સમસ્યા છે.