અમદાવાદ: અમદાવાદમાં બનેલા પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાના વિમાનનો કાટમાળ સ્થળ પરથી હટાવવાની કામગીરી શરુ કરાઈ છે. એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ લઈને જતા ટ્રકનો પણ અકસ્માત થયો છે. ACB કચેરી પાસે વિમાનની ટેલ એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિરનો રસ્તો બંધ કરવો પડ્યો.
ઘટનાસ્થળેથી વિમાનનો કાટમાળ એરપોર્ટ લઇ જવામાં આવી રહ્યો હતો. આ સમય દરમિયાન ઝાડ સાથે અથડાતા ટ્રક રસ્તા વચ્ચે જ રોકાઈ ગયો હતો. આ અકસ્માતનો બનાવ ACB કચેરી નજીક બન્યો હતો. આ વિમાનનો કાટમાળ એક ટ્રક પર લઈ જવામાં આવી રહ્યો હતો.
જોકે અકસ્માતને પગલે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો ઠપ્પ થઇ ગયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં પોલીસે એક સાઈડનો રસ્તો બંધ કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
DGCA ની ટીમ પ્લેન ક્રેશનો કાટમાળ ખસેડી રહી છે. પ્લેન ક્રેશ સાઇટથી ખસેડી તેને એરપોર્ટ ખાતે એક ખાસ સ્થળે મૂકવામાં આવી રહ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશના કારણોની તપાસ સુધી આ કાટમાળ DGCA પાસે જ રહેશે. એરપોર્ટ ખાતે વિમાનને રાખવા ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે. સ્થાનિક એજન્સીઓ, પોલીસ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય રહી મદદ કરી રહ્યા છે.
અકસ્માત કેવી રીતે થયો ?
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 એ 12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાના માત્ર 36 સેકન્ડ પછી કોકપીટમાંથી એક ડિસ્ટ્રેસ મેસેજ (મેડે) મોકલવામાં આવ્યો હતો, જે અમદાવાદ ATC દ્વારા પ્રાપ્ત થયો હતો. આ પછી તરત જ, રેડિયો સંપર્ક તૂટી ગયો. બપોરે 1:40 વાગ્યે, વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી થોડે દૂર મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં 242 મુસાફરોમાંથી ફક્ત એક જ વ્યક્તિનો બચાવ થયો હતો.
બ્લેક બોક્સની રિકવરી
વિમાનનું બ્લેક બોક્સ અકસ્માતના 28 કલાક પછી મળી આવ્યું હતું. તે સામાન્ય રીતે તેજસ્વી નારંગી રંગનું હોય છે, જેથી તે કાટમાળમાંથી મળી શકે. ટેકનિકલ નિષ્ણાતો માને છે કે આ બોક્સમાંથી મેળવેલ ડેટા આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવામાં નિર્ણાયક સાબિત થશે.