અમદાવાદ: 12 જૂન ગુરુવારના દિવસે અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થયું હતું. હવે  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  સત્તાવાર જાહેરાત કરી છે કે, વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા છે. સવારે 11 વાગ્યેને 10 મીનિટે DNA મેચ થયા છે. વિજયભાઈના DNA મેચ માટે પરિવારના  સેમ્પલ લેવામાં આવ્યાં હતા. 

વિજયભાઈ રુપાણીના DNA મેચ થતા હવે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઇ જવામાં આવશે. જ્યાં સંપૂર્ણ પ્રોટોકોલ સાથે તેમની અંતિમ યાત્રા નીકળશે.

પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટી થઈ ચૂકી છે અને તેમના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. માહિતી મુજબ રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહ લવાશે જ્યાં પહેલાથી અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.  

રાજકોટમાં શોકનો માહોલ

વિજય રૂપાણીના અકાળે અવસાનથી ગુજરાતના રાજકારણમાં અને જાહેરજીવનમાં એક મોટી ખોટ પડી છે, અને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. નોંધનિય છે કે વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય રહી ચૂક્યાં છે અને તેઓ રાજકોટના લોકલાડીલા નેતા હતા જેથી રાજકોટ પણ તેમના લોકલાડીલા નેતાના નિધનથી શોકમગ્ન છે. 14 જૂન શનિવારે રાજકોટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શોકમાં સજ્જડ બંધ રહ્યું હતું. 

વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતુ વિમાન તૂટી પડ્યા બાદ છેલ્લાં બે દિવસથી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ તેમજ અન્ય એજન્સીઓના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવારે મેસ પર વિમાનની ટેલના ભાગે કાટમાળ દૂર કરવાની કામગીરી દરમિયાન એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કટરની મદદથી લોખંડ દ્વારા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.