અમદાવાદ: શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક છોકરીને યુવક સાથે પ્રેમ થઈ જતા તેની સાથે ઘરેથી ભાગી ગઈ હતી. દીકરી પ્રેમી સાથે ભાગી જતાં માતા જમાઇ સાથે ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને યુવક પોતાની સગીર દીકરીને ભગાડી ગયો હોવાની ફરિયાદ કરતી હતી. તેમજ તેમણે તેમની દીકરીના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટની નકલ પુરાવા તરીકે રજૂ કરી હતી. આથી પોલીસે પોક્સ અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસમાં કંઇક અલગ જ ધડાકો થયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ગત 11મીએ એક મહિલા તેમના જમાઇ સાથે ઓઢવ પોલીસ સ્ટેશન આવ્યા હતા. અહીં તેમણે પોતાની સગીર વયની દીકરી એક શખ્સ સાથે ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું. સગીરાને કોઈ ભગાડી ગયું હોવાની ગંભીરતા લઈ પોલીસે તેમની પાસે જન્મનો પુરાવો માંગ્યો હતો.
આથી મહિલાએ દીકરીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ રજૂ કરી હતી. જેમાં દીકરીની જન્મ તારીખ વર્ષ 2004 હતી. જોકે, તેમણે પોલીસને તેનું ઓરિજનલ સર્ટિફિકેટ ન હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમણે પતિની માનસિક હાલત ખરાબ હોવાથી તેમણે વર્ષે પહેલા ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ઘરેણાં કેનાલમાં નાંખી દીધા હોવાનું કારણ બતાવ્યું હતું.
બીજી તરફ પોલીસે પોક્સો એક્ટ અને અપહરણનો ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી હતી. છોકરીની તપાસ કરવા સ્કૂલ પર પહોંચી હતી. અહીં છોકરીના ઓરીજનલ ડોક્યુમેન્ટ મેળવતા પોલીસ ચોંકી ગઈ હતી. કારણ કે, માતાએ આપેલા સર્ટિફિકેટની નકલ અને ઓરિજનલ ડોક્યુમેન્ટની તારીખમાં ફરક હતો. ઓરિજનલ ડોક્યમેન્ટ પ્રમાણે છોકરી પુખ્ત વયની હતી.
આમ, તારીખમાં ફરક હોવાથી પોલીસે છોકરીની માતા અને જમાઇની પૂછપરછ કરતાં જમાઇએ કબૂલાત કરી હતી કે, તેમણે સાસુના કહેવાથી આ કામ કર્યું હતું. તેમણે લિવિંસ સર્ટિફિકેટની કલર ઝેરોક્સ કરાવી તેમાં તારીખમાં છેડછાડ કરી હતી અને પછી તેની ઝેરોક્સ કઢાવીને ખોટી તારીખ બતાવી હતી.
દરમિયાન છોકરીની ભાળ પણ મળતા પોલીસે તેની પૂછપરછ કરતાં તેનો જન્મ 2002માં થયો હોવાનું સામે આવ્યું હતું. માતાને એમ હતું કે, દીકરી સગીર હોવાનું કહેશે તો જ પોલીસ તેને શોધશે. ત્યારે હવે પોલીસે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરનાર સાસુ જમાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.