અમદાવાદ: શહેરનો સિંધુભવન રોડ અને રીંગ રોડ અસામાજિક તત્ત્વો અને કુખ્યાત શખ્સો માટે સ્ટંટ કરવા ફાયરિંગ કરવા વગેરે જેવા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે અડ્ડો બની ગયો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ફરી એક વાર સોશિયલ મીડિયામાં સિંધુભવન રોડ અને બોપલ રીંગ રોડ ઉપર કારમાં સ્ટંટ કરતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો હતો. જે મામલે સરખેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો નોંધી આરીપીઓને ઝડપી પાડ્યા છે. 


અમદાવાદનો એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે બદનામ થઈ રહ્યો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વિડિયો આપી રહ્યો છે. જેમાં ત્રણથી ચાર જેટલી કારમાં કારના કાચ ખોલી મોટા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડતા યુવાનો નજર પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોને લઈ સરખેજ પોલીસે તાબડતોડ ફરિયાદ નોંધી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. સાથે સાથે પોલીસે વીડિયોમાં સ્ટંટ માટે ઉપયોગમાં લેવાયેલ કારને પણ જપ્ત કરી છે.


હાલ પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી છે


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વાયરલ થયેલો વિડિયો બે વર્ષ જૂનો છે. 16 નવેમ્બર 2021ના રોજ પકડાયેલ 3 આરોપી પૈકી એકનો જન્મદિવસ હતો. જેની ઉજવણીના ભાગરૂપે આ નબીરાઓ છાકટા બનીને કારમાં બેસી સ્ટંટ કરતો વિડીયો બનાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. જોકે હજુ પણ એક આરોપી ફરાર છે. પોલીસે સ્ટંટમાં લેવાયેલ કાર પૈકી બે કાર પણ જપ્ત કરી જ્યારે એક કાર વેંચી દેવામાં આવી હતી. જેને પણ પોલીસે જપ્તી માટેની કાર્યવાહી હાથ ધરી છે.


ચાલુ કારમાં ફટાકડા ફોડતો વિડીયો વાયરલ થયો હતો


આ પહેલી વાર નથી કે જ્યારે જાહેર રસ્તા પર આ સામાજિક તત્વો બેફામ બનીને સ્ટંટબાજી કરતા હોય. આ અગાઉ દિવાળી સમય સિંધુભવન રોડ પર ચાલુ કારમાં ફટાકડા ફોડતો વિડીયો વાયરલ થયો હતો જે ચર્ચાનો વિષય પણ બન્યો હતો. બાપુનગરમાં થોડા દિવસો પહેલા તલવાર સાથે એકટીવા પર જતા 2 યુવકોનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ સિવાય રખિયાલ વિસ્તારમાં જાહેર રોડ પર ફટાકડા ફોડી ટ્રાફિકને અસર પહોંચાડતો વિડીયો પણ વાયરલ થયો હતો.