અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. શ્રીવાસ્તવને કોરોના થયો હોવાની અફવા હતી પણ તેમનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેના બદલે તેમને ફેફસાંનું ઈન્ફેક્શન હોવાનું બહાર આવ્યું છે. શ્રીવાસ્તવને કે.ડી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર પછી તબિયત સારી થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમની ગેરહાજરીમાં પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ ક્રાઈમ બ્રાન્ચના વડા અમિત વિશ્વકર્માને સોંપવામાં આવ્યો છે.


અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રવિવારે તાવ આવતાં કોરોના થયો હોવાની વાતો ચાલી હતી પણ દાક્તરી તપાસમાં પોલીસ કમિશનરને ફેફસામાં ઈન્ફેક્શન હોવાનું જણાઈ આવ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું છે કે, આઈ.પી.એસ. સંજય શ્રીવાસ્તવને સામાન્ય ઈન્ફેક્શન છે અને તેમની તબિયત સુધારા પર છે. તેમને કોરોના થયો હોય તેવા કોઈ ચિહ્નો તબીબી તપાસમાં જણાયાં નથી. પોલીસ કમિશનરને ફેફસાનું ઈન્ફેક્શન અને તાવ હોવાથી કોરોના હોવાની ચર્ચા પોલીસ તંત્રમાં શરૂ થઈ હતી.