પાટીદારોના ગઢ ગણાતા નરોડામાં મતદાનમાં 11 ટકા જ્યારે ઘાટલોડિયામાં 9.50 ટકાનું ગાબડું પડ્યું હતું. આ બાબત ભાજપ માટે ચિંતાજનક બની છે. ગત 2015ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે પાટીદાર પ્રભાવિત આ નવ વોર્ડમાં મતદાનના આંકમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો હતો. આ કારણથી જ ગત ચૂંટણીમાં આ નવમાંથી 6 વોર્ડમાં ભાજપની પેનલ આવી હતી, જ્યારે બે વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવાર વિજેતા થયા હતા.
એકમાત્ર ઈન્ડિયાકોલોની એવો વોર્ડ હતો જ્યાં ગત ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ આવી હતી. પાટીદાર સમાજના વર્ચસ્વવાળા વિસ્તારોમાં આ વખતની ચૂંટણીમાં સવારથી જ મતદારો વોટિંગથી અળગા રહ્યા હતા. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનનું ફેક્ટર જબરદસ્ત નિર્ણાયક નિવડ્યું હતું.
તમામ વિશ્લેષકોના આશ્ચર્ય વચ્ચે પાટીદાર આંદોલનને લીધે જ્યાં પણ ભાજપનો સફાયો થવાની આગાહી થઈ હતી તે વિસ્તારોમાં પાટીદારોએ જબરદસ્ત મતદાન માર્યું હતું. પરંતુ તેની સરખામણીએ આ વખતે નરોડા, ઘાટલોડિયા, રાણીપ, વસ્ત્રાલ, ઠક્કરબાપાનગર, નિકોલમાં મોટા ગાબડાં પડ્યાં છે.