Ahmedabad News: દિવાળી નજીક આવતાં જ અમદાવાદની હવા દૂષિત બની છે. અમદાવાદના ચાર વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. શહેરના 4 વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200થી વધુ નોંધાયો છે. સૌથી વધુ પ્રદૂષણ રખિયાલ વિસ્તારમાં નોંધાયું છે. અહીં 271 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો છે, જ્યારે પશ્ચિમ વિસ્તાર નવરંગપુરામાં 256 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. પીરાણા ડમ્પિંગ સાઈટથી પણ વધુ પ્રદૂષણ નવરંગપુરામાં નોંધાયું છે. પીરાણામાં 203 એર ક્વોલિટી ઇન્ડેક્સ અને રાયખડમાં 204 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે.


AQI 50 સામાન્ય માનવામાં આવે છે. 100 સુધી સંતોષકારક ગણવામાં આવે છે. તે પછી તેનો વધારો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 201 અને 300 ની વચ્ચેને 'ખરાબ' માનવામાં આવે છે અને 301 અને 400 ની વચ્ચે ખૂબ ખરાબ માનવામાં આવે છે.


રાજધાની દિલ્હીમાં ધુમ્મસ વચ્ચે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એલર્ટ અનુસાર, દક્ષિણ ભારતના તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. પુડુચેરીમાં પણ વરસાદ પડશે. આગામી 48 કલાક એટલે કે 5મી નવેમ્બર સુધી આવું જ હવામાન રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, તમિલનાડુમાં આજે સવારે ભારે વરસાદ પડ્યો છે, હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જેથી ચેન્નઈ, મદુરાઈ, શિવગંગા જિલ્લામાં સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આંદામાન નિકોબાર ટાપુઓ પર આગામી એક સપ્તાહ સુધી વરસાદની સંભાવના છે. કરાઈકલ અને લક્ષદ્વીપમાં પણ આગામી થોડા દિવસોમાં વરસાદ જોવા મળશે.


આ સિવાય હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડની પહાડીઓ પર હિમવર્ષા ચાલુ રહેશે. પશ્ચિમ બંગાળમાં તાપમાનમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. જમ્મુ-કાશ્મીરના ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં હિમવર્ષા થશે. જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.


IMD એ ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. તેની અસરને કારણે સમગ્ર પૂર્વ અને ઉત્તર ભારતમાં ઠંડી વધશે, તેની અસર બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં થશે અને હળવી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.


રાજધાની દિલ્હીમાં શનિવાર, 4 નવેમ્બરના રોજ મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ તાપમાન સામાન્ય કરતાં ઓછું છે. હાલમાં પાટનગરના આકાશમાં છવાયેલો ધુમ્મસ ઓસરી રહ્યો નથી. આગામી સપ્તાહ સુધી આ સ્થિતિ રહેશે. હાલમાં IMDએ દિલ્હી-NCRમાં વરસાદની કોઈ સંભાવના દર્શાવી નથી, પરંતુ તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડી વધવાની છે.