Ahmedabad Rain Updates: રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે. આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ છે. શહેરના બોપલ, ઇસ્કોન, સોલા, વસ્ત્રાપુર, બોડકદેવ, શિવરંજીની, એસજી હાઇવે, ગોતા, શીલજ, શેલા, રાયપુર, લાલ દરવાજા, મણિનગર, ખોખરા, શાહપુર, દરિયાપુર, વાસણા, પાલડી, નરોડા, નિકોલ, બાપુનગર, અસારવા, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. સવારથી 7 વાગ્યા સુધી શહેરમાં 0.53 મિમી વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ 27.17 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધુ છે. પશ્ચિમ ઝોનમાં 1.75 મિમી વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી વરસાદી માહોલની જમાવટ થઇ છે આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમ ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે. જેની અસર ગુજરાત પર પણ થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે.
ક્યા જિલ્લામાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર એટલે આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારના જિલ્લામાં 17 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે તમામ ઝોનના જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે.
ક્યા જિલ્લામાં રેડ એલર્ટ
આગામી 24 કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.
આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.
રાજ્યના 13 જિલ્લામાં યલો અલર્ટ
રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સંઘ પ્રદેશ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદની સંભાવના.. વરસાદની આગાહીને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન એલર્ટ મોડ પર છે.