Ahmedabad Rain: બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી અમદાવાદમાં વરસાદી માહોલની જમાવટ થઇ છે આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે શહેરના રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
વરસાદના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરાયો છે, શહેરમાં બાકીના અંડરપાસ ખુલ્લા છે. આ ઉપરાંત વાસણા બેરેજના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પણ પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.
ક્યા જિલ્લામાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર એટલે આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારના જિલ્લામાં 17 અને 19 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે તમામ ઝોનના જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે.
ક્યા જિલ્લામાં રેડ એલર્ટ
આગામી 24 કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.
આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.
રાજ્યના 13 જિલ્લામાં યલો અલર્ટ
રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ સંઘ પ્રદેશ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદની સંભાવના.. વરસાદની આગાહીને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન એલર્ટ મોડ પર છે.