અમદાવાદ: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વેજલપુર વિસ્તારમાં પાણી ભરાયા છે. વેજલપુરમાં આવેલી કિષ્નાનગરી સોસાયટી, શ્રીનંદનગર સોસાયટીમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. તોફાની વરસાદના ટ્રેલરે AMCના દાવાઓની પોલ ખોલી નાખી છે. વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે.
ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરુ થયો છે. વિજળીના કડાકા સાથે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે આઈપીએલ 2023નો મહામુકાબલો છે ત્યારે વરસાદ પડતા ક્રિકેટ રસીકો ચિંતામાં મુકાયા છે.
ચાંદખેડા, વાડજ, રાણીપ અખબાર નગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઈવે, થલતેજ, બોપલ, પ્રહલાદ નગર ગાર્ડન, જીવરાજ પાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
આ તારીખ પછી વાવણી કરવા અંબાલાલ પટેલની સલાહ
હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ખેડૂતોને 15 જૂન પછી વાવણી કરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલના મતે અંદામાન- નિકોબારમાં ચક્રવાત ઉભુ થતા કેરળમાં ચોમાસુ મોડુ આવશે. કેરળમાં 5થી 15 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે. અંદામાન- નિકોબારમાં જ ચોમાસાની ગતિ નબળી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે. એટલે જો કેરળમાં મોડુ બેસે તો ગુજરાતમાં પણ ચોમાસુ મોડુ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે કે 15 જૂન બાદ વાવણી કરવી વધુ હિતાવહ છે. 15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 8 ઓગસ્ટ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે.
મીની વાવાઝોડા સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમજ કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં જ્યારે 30 મેના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન છે.