લાંબા સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ફાયર વિભાગમાં ભરતી કરાશે. ફાયર વિભાગમાં ચીફ ઓફિસર અને આસિસ્ટન્ટ ફાયરમેન સહિતના હોદ્દાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. અમદાવાદ ફાયર વિભાગમાં 119 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.


એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સહાયક ફાયર કર્મચારીની સૌથી વધુ 102 જગ્યા ભરાશે. ચીફ ઓફિસર માટે 12મી જૂલાઈ સુધી અરજી કરી શકાશે. ફાયરવિભાગની અન્ય પોસ્ટ માટે 23 જૂલાઈ સુધી ઓનલાઇન અરજી થઈ શકશે. ફાયર વિભાગમાં હાલ 778 જગ્યાઓ પૈકી 252 જગ્યાઓ ખાલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર recruitment લિંક પરથી માહિતી મેળવી શકશે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવશે. છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જના હોદ્દા પર ચાલતા ફાયર બ્રિગેડના અધિકારીઓમાં હવે કાયમી ધોરણે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર, સહાયક સ્ટેશન ઓફિસર, સહાયક સબ ઓફિસર અને સહાયક ફાયરમેનની કુલ 119 જેટલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.જોકે, રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર બ્રિગેડમાં પૂરતો સ્ટાફ ન હોવા ના કારણે પણ ફાયર સેફટી અંગે ચેકિંગ અને અન્ય કામગીરી ન થતી હોવા અંગેની રજૂઆતો સામે આવી હતી.


નોંધનીય છે કે અગાઉ અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સહિત અન્ય વિભાગમાં 750 અધિકારીઓની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષો બાદ મહાનગર પાલિકામાં ભરતીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.


એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુ હતું કે મહાનગરપાલિકા દ્વારા ડેપ્યુટી કમિશનર સહિત અન્ય વિભાગના કર્મચારીઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ હેલ્થ વિભાગના કર્મચારીઓની ભરતી કરી હતી. વિવિધ વિભાગમાં 750 કરતા વધુ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ફાયરબ્રિગેડ, ઈજનેર, કલાર્ક, ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.