અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને કોરોના વિસ્ફોટની સ્થિતી છે ત્યારે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલું સંત સંમેલન સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યું છે. આ સંત સંમેલનના કારણે અમદાવાદ શહેર ભાજપ સંગઠનના મોટાભાગના નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કોરોના સંક્રમિત થાય એવો ખતરો છે.
આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સાધુ- સંતોને ભોજન પિરસવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી અને પાટિલ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓના સપર્કમાં પણ આવ્યા હતા એ જોતાં તેમને પણ કોરોનાનો ખતરો છે.
આ કાર્યક્રમનું આયોજન દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત કરાયું હતું. ઉત્તરપ્રદેશના વારાણસીમાં દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા 4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ધર્માંચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર નેતાઓને કોરોના થતાં તેમના સંપર્કમાં આવેલા બીજા ઘણા લોકો પર કોરોનાનો ખતરો છે.
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 325 લોકો મૃત્યુ પામ્યા હતા. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 અને 465 કેસ છે. ઓમિક્રોનના 2,630 દર્દીઓમાંથી 995 દર્દીઓ સ્વસ્થ થયા છે.
જે પાંચ રાજ્યોમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઉછાળો આવ્યો છે તેમાં મહારાષ્ટ્ર (26,538 નવા કોરોના કેસ), પશ્ચિમ બંગાળ (14,022 કેસ), દિલ્હી (10,665 કેસ), તમિલનાડુ (4,862 કેસ) અને કેરળ (4,801 કેસ)નો સમાવેશ થાય છે. નવા 90,928 કેસમાંથી 66.97 ટકા માત્ર પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. આમાં માત્ર 29.19 ટકા કેસ મહારાષ્ટ્રના છે.