વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં જાસપુર ખાતે 100 વિઘા જમીન પર 1000 કરોડના ખર્ચે મા ઉમિયાનું મંદિર બનાવવામાં આવશે. બે દિવસના આ શિલાન્યાસ કાર્યક્રમમાં લાખો લોકો હાજરી આપશે.
આ મંદિરને પ્રવાસન સ્થળ બને તે માટે સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવશે. મંદિરની બાજુમાં ટ્રી મ્યુઝિયમ બનાવવામાં આવશે. જેમાં 3000થી વધારે લુપ્ત થતાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સ્વિત્ઝરલેન્ડ બાદ આ વિશ્વનું બીજું ટ્રી મ્યુઝીયમ હશે.
ઉમિયા માતાના આ મંદિરની ઉંચાઈ 431 ફૂટ એટલે 131 મીટર હશે. આ મંદિરની ડિઝાઈન જર્મન આર્કિટેક અને ઈન્ડિયન આર્કિટેક દ્વારા તૈયાર કરાઈ છે. મંદિરના શિખરની વ્યુ ગેલરીમાંથી અમદાવાદ શહેરનો નજારો જોઈ શકાશે. મંદિરમાં 10 ફૂટ ઊંચી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
આ મંદિરની સાથે સ્કીલ યુનિવર્સિટી, પ્રિ એન્ડ પોસ્ટ મેડીકલ કેર યુનિટ, રોજગાર ભવન, સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ સેન્ટર, સ્પોર્ટસ એન્ડ કલ્ચર કોમ્પ્લેક્ષ તેમજ NRI ભવનનું નિર્માણ કરવામાં આવશે.