અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, અનલોક-1 ચાલી રહ્યું છે. આ અનલોક-1 અંતર્ગત વેપાર-ધંધાને લઈને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. એટલું જ માઇક્રો કન્ટેન્મેન્ટ સિવાય અન્ય વિસ્તારોમાં ધંધો-રોજગારની છૂટ આપવામાં આવી છે, ત્યારે શાહપુર મુખ્ય રોડ પરની દુકાનોની ખોલવા ન દેવાતા દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.


સંક્રમિત વિસ્તારથી દૂર હોવા છતાં દુકાન ન ખોલવા દેતા વેપારીઓ રોષે ભરાયા છે. વેપાર-ધંધા ચાલુ કરવા દેવા વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

અમદાવાદ માટે વધી રહેલા કેસો વચ્ચે પણ રાહતના સમાચાર એ છે કે, મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. તેમજ અમદાવાદ જિલ્લામાં હાલ, 3188 જ લોકો સારવાર હેઠળ છે. તેની સામે 9228 લોકો સ્વસ્થ થઈને ઘરે જતાં રહ્યા છે. જોકે અમદાવાદમાં મૃત્યુનું પ્રમાણ વધારે છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 938 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે 455 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18609 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1155એ પહોંચ્યો છે.