અમદાવાદ: ગુરૂવારે અમદાવાદના ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તાર દ્વારા મોટા પ્રમાણમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં પકડેલા લગભગ 1 કરોડ 73 લાખના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ખાસ વાત તો એ છે કે, ઝોન 5ના ડીસીપી રવીતેજા વાસમશેટ્ટીએ જાતે રોલર ચલાવીને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.

કોર્ટની મંજુરી બાદ આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો તેવું જાણવા મળ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી, સહીતના પોલીસ અધિકારી ઉપરાંત એસડીએમ પણ હાજર રહ્યા હતાં.

ઝોન 5ના ડીસીપી રવીતેજા વાસમશેટ્ટીએ કહ્યું હતું કે, પોલીસ દારૂ પકડવામાં મહેનત કરે છે અને જો તેમના જ સિનીયર અધિકારી જાતે જ દારૂના જથ્થાનો નાશ કરે તો કામગીરીથી સંતોષ મળશે.

ઝોન 5માં આવેલ નિકોલ, ખોખરા, રામોલ, અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ અને ઓઢવ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં દારૂના 500થી વધુ કેશ કરવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. આ અગાઉ પણ ગોમતીપુર પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.