અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ કેસ નોંધાતા યુવકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલમાં બે શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. ડોકટર દ્વારા બંને દર્દીઓની તપાસ શરૂ કરાઇ છે. બંને દર્દીઓના લોહીના નમૂના પુણે મોકલવામાં આવશે.

આ અગાઉ અમદાવાદમાં દાખલ કરાયેલી 28 વર્ષીય મહિલાના રિપોર્ટ હજુ આવ્યો નથી. કડીના બે યુવકો ચીન અને થાઈલેંડથી પરત આવતા બંનેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. થાઇલેન્ડથી પરત ફર્યા બાદ યુવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.

ત્રણમાંથી બે યુવાનોને કોરોના વાયરસ શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે બે યુવકોને આઈશોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. અન્ય એક યુવક સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી છે.

ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. કેરળમાં બુધવારે કોરોના વાઈરસના 153 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચીનમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી કુલ 562 લોકોના મોત થયા છે.