Ahmedabad: રાજકોટમાં પુત્ર અને પૂત્રવધૂના બેડરૂમના અતરંગ દ્રશ્યોનો વીડિયો બનાવી તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવાના કેસમાં આરોપી સાસુની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી. પૈસા કમાવવા માટે પુત્ર અને પુત્રવધૂના અંતરંગ દ્રશ્યોનો વીડિયો બનાવી તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવાનો કેસ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આ મામલે આરોપી સાસુની અરજી પર ગુજરાત હાઇકોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી.


હાઇકોર્ટે કહ્યું હતું કે "બળાત્કાર એ બળાત્કાર છે પછી ભલે તે પીડિતાના પતિ દ્વારા કેમ કરવામાં આવ્યો ના હોય. હાઇકોર્ટે મૈરિટલ રેપના કેસની સુનાવણીમાં કડક ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે કહ્યુ હતું કે બળાત્કાર પીડિતાના પતિ દ્વારા કરવામાં આવ્યો હોય તો પણ તે બળાત્કાર ગણાશે. હાઈકોર્ટે કહ્યું કે ઘણા દેશોમાં મૈરિટલ રેપને ગુનો જાહેર કરવામાં આવ્યો છે.


ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ જોશીએ પોતાના આદેશમાં અમેરિકાના ત્રણ રાજ્યો, ઓસ્ટ્રેલિયાના ત્રણ રાજ્યો, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઈઝરાયેલ, ફ્રાન્સ, સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, સોવિયેત યુનિયનનો પણ ઉલ્લેખ કર્યો હતો.  છે. પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયા સહિતના લગભગ 50 દેશોમાં વૈવાહિક બળાત્કાર એ ગુનો ગણાય છે. ઘણા દેશો તેને ગુનો જાહેર કરવા જઈ રહ્યા છે. 

જસ્ટિસ દિવ્યેશ જોશીએ કહ્યું હતું કે જો કોઈ પુરુષ કોઈ મહિલાનું જાતીય શોષણ કરે છે તો તેને આઈપીસીની કલમ 376 હેઠળ સજા થઈ શકે છે. બળાત્કાર એ બળાત્કાર છે પછી ભલે તે કોઈ પણ વ્યક્તિ કરે. ભલે તે પતિ હોય અને ભોગ બનનાર પત્ની. જોષીએ જણાવ્યું હતું કે આ બાબતે સામાજિક અભિગમ બદલવાની જરૂર છે.


નોંધનીય છે કે તાજેતરમાં જ રાજકોટમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં એક પીડિતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પુત્રવધૂએ આરોપ લગાવ્યો હતો કે તેના સાસુ, સસરા પૈસા કમાવવા માટે તેણી અને તેના પતિના ન્યૂડ વીડિયો બનાવી તેને પોર્ન સાઇટ પર અપલોડ કરતા હતા. સાસુ અને સસરા દ્વારા પીડિતાના પતિને આવું કૃત્ય કરવા ઉશ્કેરવામાં આવતો હતો. પીડિતાએ એવા આક્ષેપ પણ કર્યા હતા કે સાસુ-સસરાની ઉશ્કેરણી પર તેનો પતિ ‘અકુદરતી’ રીતે તેનું શારીરિક શોષણ કરતો હતો.  કોર્ટે આ કેસમાં તમામ આરોપીઓના જામીન ફગાવી દીધા હતા.