અમદાવાદઃ થલેતજની 35 વર્ષીય યુવતીને અમરાઇવાડીમાં રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંનેએ લોકડાઉનમાં લવ મેરેજ કરી લીધા હતા. લગ્ન પછી પતિ સાથે અમરાઇવાડીમાં રહેતી યુવતીને પતિ સાથેના સંબંધને કારણે ગર્ભ રહી ગયો હતો. લગ્નના થોડા જ સમયમાં યુવતી ગર્ભવતી થઈ જતાં પતિએ ગર્ભપાત કરાવી દેવા માટે જણાવ્યું હતું. તેણે યુવતીને કહ્યું હતું કે, આર્થિક સ્થિતિ સારી નથી ગર્ભપાત કરાવી દે. આ પછી યુવતીને ઘરમાંથી કાઢી મૂકતા યુવતીએ પતિ અને સાસુ સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, થલતેજમાં રહેતી 35 વર્ષીય યુવતીને તેની જ કંપનીમાં કામ કરતા અને અમરાઇવાડીમાં રહેતા યુવક સાથે લોકડાઉનમાં ફોન પર વાતો કરતાં કરતાં જ પ્રેમ થઈ ગયો હતો. આ અંગે યુવતીએ પરિવારને જાણ કરતાં બંનેના લગ્ન કરાવી આપ્યા હતા અને લગ્ન પછી યુવતી સાસરીમાં રહેવા લાગી હતી.

લગ્નના થોડા જ દિવસ પછી કપડા પહેરવા બાબતે ટોકવા લાગ્યો હતો તેમજ સાસુ પણ દહેજની માંગણી કરી ત્રાસ આપવા લાગ્યા હતા. જોકે, યુવતી કંકાસ ન થાય તે માટે બધુ સહન કરતી હતી. દરમિયાન યુવતી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. જોકે, પતિને જાણ થતાં તેણે હમણાં તું કેમ પ્રેગ્નેન્ટ થઈ હાલ મારી પાસે પૈસા નથી જેથી તુ ગર્ભપાત કરાવી લે, એમ કહી યુવતીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.

આથી યુવતી પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.