અમદાવાદઃ બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા કરેલી હાલતમા લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે . મૃતક યુવાન મોડી રાત્રે ઘરેથી નીકળ્યો અને તેનુ અપહરણ કર્યા બાદ હત્યા થઈ હોવાનુ સામે આવી રહ્યું છે. પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
બોપલ સ્ટર્લિંગ સિટીનાં ગેટની અંદરનાં ભાગે ફક્ત 20 ડગલાં દુર મયંકગિરી ગોસ્વામીની લાશ મળી આવી હતી. વહેલી સવારે સિકયોરીટી ગાર્ડની નજર પડતાં જ તેણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી અને સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યુ છે. મયંકગીરી બોપલમાં તેનાં પિતરાઇ ભાઇને ત્યાં રહેતો હતો અને ગઇકાલે રાત્રે 11 વાગ્યા સુધી તે પોતાનાં ઘરે જ હતો, પરંતુ મોડી રાત્રે તે ક્યારે ઘરેથી નીકળ્યો તે કોઇને ખબર નહોતી.
સવારે ફોન આવતાં પરિવારજનોને ઘટનાની જાણ થઇ હતી. પરિવારજનોનાં કહેવા મુજબ શું કારણ હોઇ શકે તેની હાલ તેમને ખબર નથી. ઘટના મોડી રાત્રે બની હોઇ શકે છે, કારણ કે મૃતક મયંકગિરીને પગ અને માથાનાં ભાગે ઇજાઓ છે. પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાની જાણ થયા બાદ તેની માતાને જાણ થતાં જ તે હોસ્પીટલમાં બેહોશ થઇ ગયા. પરિવારમાં મૃતક મયંકગિરી સિવાય તેની એક બહેન છે. મયંક બોપલની અદ્વેત હોસ્પિટલમાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું પોલીસ તપાસમા સામે આવ્યુ છે. સરસપુરનો એક યુવક શંકમદ હોવાથી તેની તપાસ શરૂ કરવામા આવી. ઉત્તરાયણનાં તહેવારનાં સમયે સામાન્ય રીતે રસ્તા પર અવર જવર ઓછી હોય છે અને કદાચ એ બાબતનો લાભ આરોપીઓએ લીધો હોઇ શકે છે..
મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ વહેલી સવાર સુધી કોઇને આ બાબતની જાણ પણ ન થઇ. પોલીસને મૃતક મયંકગિરી ગોસ્વામીનું વાહન પણ હત્યાનાં સ્થળેથી થોડે દુર મળી આવ્યુ છે. સાથે જ પોલીસે સીસીટીવી ફુટેજ પણ એકત્ર કર્યા છે, જેનાથી પોલીસને તપાસમાં મદદ મળે. જો કે આ મામલે પ્રેમ પ્રકરણની આશંકા હોય તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.