અમદાવાદઃ દુષ્કર્મના કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહિલા પીએસઆઇએ આરોપી અને ખાનગી કંપનીના એમડીને પાસામાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માંગી હતી. એસઓજીએ મહિલા પીએસઆઇના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા દ્વારા તોડ કરવાના મામલે એસઓજીએ શ્વેતા જાડેજા જે મકાન માં રહે છે ત્યાં આરોપીને સાથે રાખી તપાસ કરવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત લાંચમાં લીધેલ રૂપિયા મેળવવા માટે અને ૨૦ લાખ કોની પાસે અને ક્યાં રાખ્યા છે તે અંગે પણ તપાસ કરવાની છે.



મહિલા પીએસઆઈના મૂળ વતન કેશોદમાં પણ એસઓજી દ્વારા તપાસ કરવાની છે. આ ઉપરાંત અન્ય કોની રોનીની સંડોવણી છે કે નહીં, તે પણ તપાસ કરવાની છે. તેમજ આરોપી અને તેના સગાની અમદાવાદ કે વતનમાં બેંક સ્ટેટમેન્ટની માહિતી પણ એકત્ર કરવી જરૂરી છે. આરોપીએ અગાઉ કોઈ જગ્યાથી પૈસા લીધા છે કે તે અંગે તપાસ કરવી જરૂરી હોવાનું કોર્ટને જણાવ્યું હતું.

શ્વેતા જાડેજા 2016ની બેંચના પીએસઆઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ શ્વેતા જાડેજા સામે દુષ્કર્મના આરોપી દ્વારા 35 લાખની ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી હતી. 2017માં લાંચ માંગવા અંગે ઇન્કવાયરી બેઠી હતી. ગુનો સાબિત થતાં એસઓજી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.