Air India plane crash Ahmedabad અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કમ્પાઉન્ડમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એર ઈન્ડિયાનું બોઈંગ ૧૭૧ નંબરનું પ્લેન, જે ૧.૩૮ વાગ્યે ટેકઓફ થયું હતું, તે માત્ર બે જ મિનિટમાં, એટલે કે ૧.૪૦ વાગ્યે ક્રેશ થઈને કમ્પાઉન્ડમાં આવેલી એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ પ્લેનમાં અંદાજે ૨૦૦ જેટલા મુસાફરો અને કાર્ગો પણ સવાર હતા. ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી, અને તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. એર ઈન્ડિયાનું બોઈંગ ૧૭૧ નંબરનું પેસેન્જર પ્લેન, જે બપોરે ૧.૩૮ વાગ્યે ટેકઓફ થયું હતું, તે માત્ર બે જ મિનિટમાં, એટલે કે ૧.૪૦ વાગ્યે ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેન સીધું જ સિવિલ હોસ્પિટલના ડોક્ટર માટેની એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું, જેના કારણે મોટું નુકસાન થયું છે.

ગંભીર જાનહાનિ અને રેસ્ક્યુ ઓપરેશન:

પ્રાથમિક માહિતી અનુસાર, આ પ્લેનમાં અંદાજે ૨૦૦ જેટલા મુસાફરો અને કાર્ગો પણ હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે અત્યાર સુધીમાં ૫૦થી વધુ સળગેલી હાલતમાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જે ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. પ્લેન બિલ્ડિંગમાં અથડાતા ત્યાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને બિલ્ડિંગમાંથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. દુર્ઘટનાને પગલે સલામતીના ભાગરૂપે આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને અમદાવાદ એરપોર્ટ પર વિમાન સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને લાવવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ઉચ્ચ સ્તરીય દખલ અને રાહત કામગીરી:

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. અમિત શાહે બચાવ અને રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાત્કાલિક મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. તેમણે ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ બચાવ અને રાહત કામગીરીને યુદ્ધના ધોરણે હાથ ધરવા પર ભાર મૂક્યો છે.