Air India reaction Ahmedabad crash: અમદાવાદ, ગુજરાતથી લંડન (ગેટવિક) જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI171 આજે, ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ વિમાનમાં આશરે ૨૪૨ જેટલા લોકો (૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો) સવાર હતા. આ ઘટનાને પગલે એર ઈન્ડિયા દ્વારા સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે.

એર ઈન્ડિયાનું નિવેદન:

એર ઈન્ડિયાએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ અકસ્માત અંગે માહિતી આપી છે. પોસ્ટમાં જણાવાયું છે કે, "અમદાવાદ-લંડન ગેટવિક ઉડતી ફ્લાઇટ AI171 આજે, ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ ક્રેશ થઈ ગઈ. અમે હાલમાં વધુ માહિતી શોધી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે તેને airindia.com પર શેર કરીશું."

બચાવ અને રાહત કામગીરી:

આ ભયાનક દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડના તમામ વાહનો અને અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં ૫૦ થી વધુ એમ્બ્યુલન્સ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે સક્રિય છે.

સરકારી તંત્ર સક્રિય:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી હતી. અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાત્કાલિક મુખ્ય સચિવ અને સંબંધિત વરિષ્ઠ સચિવોને ફોન કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થા અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાના અહેવાલ:

મળતી માહિતી મુજબ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઇટમાં સવાર હોવાના અહેવાલ છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાને પગલે અમદાવાદમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.