ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બીજેપીની યાદી જાહેર થયા બાદ ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે, હજુ કોંગ્રેસને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવાની બાકી છે. આ દરમિયાન એવા સમાચારો આવી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ સહિત અનેક મોટા નેતાઓ ચૂંટણીના મેદાનમાં આવી શકે છે.  મળતી માહિતી પ્રમાણે જગદીશ ઠાકોર ચૂંટણી લડી શકે છે. 


 



કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ગુજરાતના તમામ સિનિયર નેતાઓને ચૂંટણી કડવા સૂચના આપી હોવાની માહિતી સામે આવી છે. ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, દીપક બાબરીયા, મધુસૂદન મિસ્ત્રી અથવા તેમના પત્ની ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત રાજ્યસભાની સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણી લડી શકે છે.


તો બીજી તરફ ભાજપના ઉમેદવારો અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપની યાદી જાહેર થઈ છે, અમારી યાદી પણ જાહેર થશે. યાદી જાહેર થયા બાદ નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યા છે. યાદી જાહેર કરતા પહેલા દિલ્હીમાં બેઠક કરવી પડી. અમારા કાર્યકરોની નારાજગીના ભોગે અમે કોઈને ટિકિટ નહિ આપીએ. ગમે તેટલા મોટા માથા આવશે તો પણ તેમને ટિકિટ નહિ આપીએ. જે લોકો બે દિવસમાં ગયા છે તે બેઠકો પરથી સિંગલ નામ આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને ચૂંટણી લડનારાનું ખાતું ભાજપના કાર્યકરો જ નહિ ખોલવા દે તેવી વાત ઠાકોરે કરી છે.


આ ઉપરાંત જગદીશ ઠાકોરે એવું પણ કહ્યું કે, ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને ગયા છે તેમનો ભાજપ શું ખેલ કરે છે તે જોજો. ભાજપમાં જઈને કપાયા છે તેમને કોંગ્રેસ ટિકિટ આપશે નહિ. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાની ટિકિટ કપાઈ હોય એમના માટે હવે જગ્યા ન હોવાની વાત કરી. કોંગ્રેસના કાર્યકરોના ભોગે આયાતિઓને ટિકિટ નહિ મળે. બિનશરતી કોંગ્રેસમાં આવવા માંગનાર માટે પણ જગ્યા નહિ. ભાજપમાં જઈ કપાનાર માટે હવે પક્ષમાં જગ્યા નથી. કોંગ્રેસમાંથી ગયેલાને ભાજપે ટિકિટ આપી હોય ત્યાં તેમના કાર્યકર જ જીતવા નહી દે તેવી વાત ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે કરી છે.


 સૌરાષ્ટ્રની આ બે બેઠકો પર કોંગ્રેસમાં ફસાયો પેચ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે એક પછી એક પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ભાજપે આજે તેમની પહેલી યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ પણ તેમની બીજી યાદી ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે. જો કે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રની બે બેઠકોને લઈ પાર્ટીમાં પેચ ફસાયો છે.  મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ અને ધારી બેઠક ઉપર પેચ ફસાયો છે. છેલ્લી ઘડી સુધી કોકડું ઉકેલવા કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ પ્રયાસ કરી રહ્યું છે. જૂનાગઢથી ભાજપે પાટીદાર ચેહરો ઉતરતા કોંગ્રેસ ફેર વિચારણા કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ધારી બેઠક પર જેની ઠુમ્મર અને સુરેશ કોટડીયા વચ્ચે પેચ ફસાયો છે. મોરબી બેઠક પર જેન્તી પટેલ અને કિશોર ચિખલિયા વચ્ચે ટિકિટ માટે ટક્કર જામી છે.