અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે અને કોરોનાની બીજી લહેર અંત તરફ છે,  ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખે લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે કોરોનાના નિયમો હળવા કર્યા છે તેમજ આવતી કાલથી શરૂ થતી નવરાત્રિમાં શેરી ગરબાને પરમશીન આપી છે. 


અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનું રસીકરણ ખૂબ જ સારું છે. ગુજરાતમાં પણ ઘણાં બધા લોકોએ રસી લઈ લીધી છે. લગભગ 82 ટકા રસીકરણ થઈ ગયું છે. જેને કારણે ફરીથી કોરોના માથું ઉંચકે તો તેનાથી પરિસ્થિતિ ગંભીર થવાની સંભાવના ઘણી ઓછી છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે લોકો બેદરકારીથી ફરીએ. આપણે તમામે હજુ પણ માસ્ક પહેરવું જ પડશે. કારણ કે, ઘણા બધા લોકો એવા છે, જેને હજુ એક જ ડોઝ લીધો છે અને એમનો બીજો ડોઝ લેવાનો બાકી છે. એવા લોકો ઝડપથી બીજો ડોઝ લઈ લે. 


ડો. મોના દેસાઇએ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, તેમણે  નવરાત્રિ-દિવાળીના તહેવારોમાં લોકોને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. 


ગુજરાતમાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે લાંબા સમય બાદ કોરોના સંક્રમણથી એક મોત થયું નથી. આજે  5,12,552 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 177 નાગરિકો સ્ટેબલ છે. 8,15,776 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. લાંબા સમય બાદ  આજે કોરોના સંક્રમણના કારણે એક  દર્દીનું જૂનાગઢમાં મોત થયું છે. વલસાડ 7,  સુરત કોર્પોરેશનમાં 5, સુરત 3, ખેડા 2, રાજકોટ  કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશન 1, જૂનાગઢ 1, નવસારી 1 અને  વડોદરા કોર્પોરેશનમાં  1  કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  18  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3899 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 44568 નાગરિકોને  રસીનો પ્રથમ અને 94760  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  139609   નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 229698 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,12,552  કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,25,22,653 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,   ભાવનગર, ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જુનાગઢ કોર્પોરેશન,    કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ,   સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.