અમદાવાદઃ શહેરમાં વધુ એક સગીરા પર પરિચીત વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના નરોડામાં સગીરાને વાત કરવાના બહાને બોલાવી પાડોશી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ થતા સગીરાની માતાએ પાડોશી યુવક સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


આ અંગેની વિગતો એવી છે કે, નરોડામાં પતિ સાથે અણબનાવને કારણે પતિથી અલગ માવતરે રહે છે. પરિણીતાને પાંચ સંતાનો છે, જેમાંથી બે દીકરીના લગ્ન થઈ ગયા છે. જ્યારે એક સગીર દીકરી અને બે બાળકો તેની સાથે રહે છે. ગત સોમવારે રાતે ભોગ બનનાર સગીરાની નાની જાગી જતાં જોયું કે સગીરા તેની પથારીમાં નહોતી. આથી તેમણે સગીરાની માતાને જગાડી તપાસ હાથ ધરી હતી. 


તપાસ કરતાં સગીરા પાડોશી યુવકના ઘરેથી મળી આવી હતી. અહીં પાડોશી યુવક કઢંગી હાલતમમાં મળી આવ્યો હતો. સગીરાની માતાએ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેને આરોપીએ વાત કરવાના બહાને બોલાવી હતી. તેમજ પરાણે કપડા કાઢી નાંખ્યા હતા. તેમજ મોઢે ડુચ્ચો મારી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ બૂમો પાડશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


અન્ય એક ઘટનામાં, બે દિવસ પહેલા પતિથી અલગ રહેતી મહિલાએ એક વ્યક્તિ સાથે મિત્રતા કરી પણ આ પાપીનું પાપ મહિલાની દીકરીને ભોગવવું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. પતિ સાથે બનતું ન હોવાથી એક મહિલાએ અન્ય એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. મિત્રતા કરીને મહિલાના ઘરે અવર જવર કરનાર હેવાને મહિલાની જ સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવી. એક્ટિવા શીખવાડવાના નામે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. 


આરોપી કેતન પટેલ ઘોડાસરમાં આવેલી પુષ્પક સોસાયટીમાં રહે છે. આરોપી કેતન રવિવારે તેની સ્ત્રી મહિલાના ઘરે ગયો. મહિલાના ઘરે 14 વર્ષીય દીકરીને એક્ટિવા શીખવાડવા લઈ જવાનું કહી તે નીકળ્યો હતો. એક્ટિવા લઈને આ કેતન સગીરા સાથે નીકળ્યો અને બાદમાં સાંજે સાતેક વાગ્યે આવીને સગીરાને પરત મૂકી ગયો હતો. કેતન મહિલાના ઘરેથી નીકળી ગયો બાદમાં સગીરા તેની માતા સમક્ષ રડવા લાગી. જેથી તેની માતાએ પૂછતાં તેણે કહ્યું કે કેતન અંકલ એક્ટિવા શીખવાડવા માટે ફ્લેટ પાસે લઈ ગયા અને ત્રણેક ચક્કર મરાવી નારોલ થઈ મકરબા લઈ જઈ એક મકાનમાં શારીરિક સંભોગ કર્યો હતો.


આ ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસે આરોપી કેતન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી. વધુ તપાસ કરતા હકીકત સામે આવી કે મૂળ બિહારની અને હાલ નારોલમાં રહેતી 36 વર્ષીય મહિલાએ તેના પતિ સામે ઘીકાંટા કોર્ટમાં કેસ કર્યો હોવાથી તેનો પતિ સુરત ખાતે પાંચ વર્ષથી અલગ રહે છે. મહિલાને ઘોડાસર માં આવેલી પુષ્પક સોસાયટી માં રહેતા આ કેતન નટવરલાલ પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી. જેથી આ કેતન મહિલાના ઘરમાં અવર જવર કરતો હતો અને તેનો લાભ લઇ આરોપીએ મહિલાની દીકરીને હવસનો શિકાર બનાવી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને મેડિકલ પુરાવા આધારે આગળની તપાસ કરશે.