Ambalal Patel Forecast: ચોમાસાની આ ઋતુમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેચાતા રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે. જોકે ખેડૂતોની ચિંતા ઘટે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ, આગામી 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે.


અહીં 6 ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના


અંબાલાલ પટેલના કહેવા મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત સહિત કચ્છના ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ , સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ૪ થી ૬ ઈંચ  તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એક થી બે ઇંચ વરસાદ વરસી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થવાની શક્યતા છે.


નવરાત્રીમાં પણ પડશે વરસાદ


બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સાનુકૂળ વાતાવરણ સર્જાતા વરસાદના પગલે ગુજરાતના ખેડૂતોની ચિંતા દૂર થશે. 14 સપ્ટેમ્બર સુધી નવી સીસ્ટમ બનશે, જે મધ્ય પ્રેદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. 13 સપ્ટેમ્બર બાદ ઉત્તરા ફાલ્ગુનીનો વરસાદ ખેતી માટે સારો રહેશે. ઉપરાંત નવરાત્રી તહેવાર દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ રહેશે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગે ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય)માં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય દ્વારા રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે તેમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. આ સાથે છૂટોછવાયો વરસાદ કયા જિલ્લાઓમાં રહેશે તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સમયમાં સિસ્ટમ બનવાની અને વરસાદ મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે.  પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતનો સમાવેશ થાય છે. આ ભાગોમાં છૂટોછવાયો હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદનું હવામાન વાદળછાયું રહેવાની સંભાવનાઓ છે.


આ પણ વાંચોઃ


આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર થશે શરૂ, જાણો પ્રધાનમંત્રી મોદીએ કરેલી ટકોરનો ઉલ્લેખ કરી ધારાસભ્યોને શું અપાઈ સૂચના