અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન-4માં રાજ્યના કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ધંધા શરૂ કરવાની છૂટ આપી હતી. જોકે, આ સમયે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી નહોતી. ત્યારે લોકો દ્વારા આ વિસ્તારમાં પણ છૂટછાટ આપવાની માંગ કરી હતી, ત્યારે ગઈ કાલે અમદાવાદ મ્યુનસિપલ કમિશનર મુકેશ કુમારે જુદા જુજા ઝોનના ડેપ્યુટી કમિશનર સાથે બેઠક કર્યા પછી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલીક છૂટછાટ આપી છે.


ગઈ કાલે એએમસી કમિશ્નર મુકેશ કુમારે અલગ અલગ ઝોનના ડેપ્યુટી કમિશ્નર સાથે સમીક્ષા બેઠક કરી હતી. શહેરના સાબરમતી રીવરફ્રન્ટ હાઉસ ખાતે આ બેઠક મળી હતી. જેમાં વિગતવાર ચર્ચા પછી પૂર્વ વિસ્તારમાં પણ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ચશ્માની દુકાન, ગેરેજ, ઇલેક્ટ્રીકની દુકાન જેવા વ્યવસાય માટે છૂટછાટ આપવામાં આવી છે.



શહેરના ઈન્દ્રપુરી, ઈસનપુર, ખોખરા, લાંભા, વટવા, શાહીબાગ, અમરાઈવાડી, ભાઈપુરા, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ, રામોલ, હાથિજણ, વસ્ત્રાલ, વિરાટનગર, બાપુનગર, ઈન્ડિયા કોલોની, કુબેરનગર, નરોડા, સૈજપુર બોઘા, સરદારનગર, ઠક્કરબાપાનગર વિસ્તાર સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા, જ્યાં હવે છટછાટ આપવામાં આવી છે.

જોકે, અસારવા, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, શાહપુર, સરસપુર-રખિયાલ, ગોમતીપુર, બહેરામપુરા, દામીલીમડા, મણિનગર અને ગુલબાઈ ટેકરાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયાલેા છે. ત્યારે આ વોર્ડમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી.