અમદાવાદ: અમદાવાદ શહરેમાં ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં તળાવમાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન શરુ થઈ ગયું છે. વટવા તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી કૂલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. ખૂબ જ મોટાપાયે ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ પર હાજર રાખવામાં આવ્યો છે. ગેરકાયદે દબાણો મનપા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ ઝોન-6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા છે. 10 હિટાચી મશીન, પાંચ જેસીબી મશીનની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે.
પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
વટવા વિસ્તારમાં આવેલા તળાવ પર દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. ઝોન-6 પોલીસ સ્ટેશનના આશરે 500 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને AMCના 300થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે. આ દબાણો દૂર કરવા માટે 10 હિટાચી મશીન, 5 જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરોની ટીમ કામે લાગી છે.
અમદાવાદ મનપા દ્વારા ખાસ પ્લાન તૈયાર
વટવા મેગા ડિમોલિશન માટે અમદાવાદ મનપા દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગની કુલ 10 ટીમો કાર્યરત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ અગાઉ કોર્પોરેશન દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં રહીશો દ્વારા બાંધકામ દૂર ન કરાતા અંતે તંત્રએ JCB ની મદદથી બાંધકામ તોડી પાડવાની ફરજ પડી હતી.
તળાવને સરકારના પ્રોજેક્ટ હેઠળ ડેવલપ કરવામાં આવશે
મેગા ડિમોલિશન કામગીરી દરમિયાન રહીશોને તેમનો સામાન દૂર કરવા માટે AMTS બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે પરિવારો પાસે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં ખસેડવાની સુવિધા આપવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, આ કામગીરી પૂર્ણ થવાથી તળાવની જળસંગ્રહ ક્ષમતા વધશે. દબાણો દૂર થયા બાદ આ તળાવને સરકારના પ્રોજેક્ટ હેઠળ ડેવલપ કરવામાં આવશે. દબાણ હટાવ્યા બાદ ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થાય અને આસપાસના રહીશોને સુંદર પર્યાવરણ મળી રહેશે.