Ganesh Visarjan: ગણતરીના દિવસોમાં ગણેશ મહોત્સવની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યારથી જ ગણેશ વિસર્જનને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ મનપાની મળેલી બેઠકમાં અંદાજે 8 કરોડના ખર્ચે 46 વિસર્જન કુંડ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સાબરમતી નદીના રિવરફ્રંટ ખાતે અલગ- અલગ 46 સ્થળે કુંડ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તો ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના નાગરિકોને સાબરમતી રિવરફ્રંટ સુધી આવવું ના પડે તે માટે નજીકના ખુલ્લા પ્લોટમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો તમામ કુંડ બહાર ફાયરવિભાગની ટીમ, એસ્ટેટ વિભાગની ટીમ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. એક કુંડ તૈયાર કરવા પાછળ કોર્પોરેશન સરેરાશ 18થી 20 લાખનો ખર્ચ કરશે. જ્યારે કુંડની ઊંડાઈ 9 ફૂટ જેટલી રાખવામાં આવશે.
મધ્ય ઝોનમાં 9, ઉત્તર ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 5, પૂર્વ ઝોનમાં 4, પશ્વિમ ઝોનમાં 13, ઉત્તર પશ્વિમ ઝોનમાં 9 વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે.
વડોદરામાં પણ પ્રશાસન દ્ધારા ગણેશ વિસર્જનને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ૧૮ ફૂટ ઊંડા નવલખી કૃત્રિમ તળાવમાં પાણી ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વિસર્જન માટે ૧૮ ક્રેન અને ૧૮ તરાપા રાખવામાં આવશે.