અમદાવાદ: તાલુકા પંચાયતમાં પક્ષવિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસે કડક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ક્રોસ વોટિંગ કરનાર ૩૪ સભ્યોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કડક પગલા ભરતા રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ મતદાનમાં ગેરહાજર રહેનાર ૯ સભ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર અને મહુવાના સભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સપાટો બોલાવતા કોંગ્રેસ પાર્ટીમાં સન્નાટો છવાય ગયો છે. 


 






શક્તિસિંહે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે ડિનર ડિપ્લોમસી યોજી


લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એક્શન મોડમાં આવ્યા છે. ગોહિલે આજે કોંગ્રેસના તમામ પૂર્વ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી અને રાત્રે વર્તમાન ધારાસભ્યો અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે ડિનર ડિપ્લોમસી યોજી હતી. બંને બેઠકમાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ એક્ટિવ થઈને કોંગ્રેસને સફળતા અપાવે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.  અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રિસાયેલા કોંગ્રેસના સભ્યોના ઘરે ઘરે જઈને તેમને મનાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત કંઈ બેઠક લોકસભાની જીતી શકાય તેમ છે અને તેના માટે શું કરવું જોઈએ તેમજ પોતે ક્યાં જિલ્લાની જવાબદારી નિભાવવા તૈયાર છે તે પણ પૂછવામાં આવ્યું હતું.


 






કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કમર કસી


લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ ગુજરાતની તમામ 26 બેઠક ફરી જીતી ના શકે તે માટે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કમર કસી છે. ગોહિલે આજે ગુજરાત કોંગ્રેસના તમામ પૂર્વ ધારાસભ્યોને બોલાવ્યા હતા. વર્ષો બાદ પ્રદેશ કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્યોને યાદ કરતા તમામ લોકો હોંશે હોંશે પ્રદેશ કાર્યાલય ઉપસ્થિત રહ્યા હતા. ગોહિલે તમામ પૂર્વ ધારાસભ્યો પાસે એક ફોર્મ ભરાવ્યું હતું. જેમાં પોતે ક્યાં જિલ્લાની જવાબદારી લોકસભા ચૂંટણી માટે સ્વીકારવા તૈયાર છે તે લખાવડાવ્યું હતું જેમાં 3 જિલ્લાના નામ પૂર્વ ધારાસભ્યોએ આપવાના હતા. આ ઉપરાંત તેઓ કઈ જવાબદારી સ્વીકારવા તૈયાર છે તે જવાબદારી સોંપાશે. પરિવારના સભ્યોને પણ સંગઠનમાં જોડવામાં આવશે. આમ વર્ષો પછી પૂર્વ ધારાસભ્યોને માનસન્માન આપી ગોહિલ તેમના અનુભવ અને સામાજિક સમીકરણ દ્વારા સંગઠન મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.