અમદાવાદ: અમૂલ દૂધના ભાવમાં 21મી મેને બુધવારથી લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારો ગુજરાતમાં અમદાવાદ, ખેડા-આણંદ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં લાગુ પડશે જ્યારે વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાતમાં હાલ ભાવવધારો લાગુ પડશે નહીં.



ગુજરાત ઉપરાંત દિલ્હી, એનસીઆર, કોલકતા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત તમામ રાજ્યોમાં લાગુ પડશે. જોકે ગાયના દૂધના ભાવમાં કોઈ પણ જાતનો ભાવધારો કરવામાં આવ્યો નથી. રાજ્યના અન્ય ડેરી સંઘો દ્વારા તેમની રીતે નિર્ણય લેવાનો રહેશે.

જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરવામાં આવે છે. તે અમૂલ દૂધના પાઉચમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવવધારો જાહેર કરાયો છે.

અમૂલ ગોલ્ડના 500 ગ્રામ પાઉચનો નવો ભાવ રૂ. 27, અમૂલ શક્તિ 500 ગ્રામ પાઉચનો નવો ભાવ રૂ. 25 છે જ્યારે અમૂલ તાજાના 500 ગ્રામ પાઉચનો નવો ભાવ રૂ. 21 અને અમૂલ ડાયમંડ 500 ગ્રામ પાઉચનો નવો ભાવ રૂ. 28 કરવામાં આવ્યો છે.