અમદાવાદઃ ક્રાંતિકારી મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમાના ચાર દિવસીય સત્સંગનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. અમદાવાદ ઋષિ ચૈતન્ય કથા સમિતિ દ્વારા શહેરના ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં તા. 18 એપ્રિલથી 21 એપ્રિલ, સવારે 8 થી 10 દરમિયાન સત્સંગ યોજાશે. જેમાં તમામ ધર્મના લોકો હિસ્સો લઇ શકશે.


આનંદમૂર્તિ ગુરુમા અધ્યાત્મિક માર્ગદર્શન તો આપે જ છે, સાથોસાથે સમાજમાં ફેલાયેલા દૂષણો પરત્વે જાગૃતિ ફેલાવવા ઉપરાંત નક્કર કાર્ય પણ કરે છે. હિન્દુસ્તાનમાં છોકરીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. એ બાબત ધ્યાનમાં આવતા જ તેમણે શક્તિ મિશનના નેજા હેઠળ કન્યા શિક્ષણ માટેના યજ્ઞનો આરંભ કર્યો. તેમની દેખરેખમાં ચાલતા શક્તિ મિશન દ્વારા અત્યાર સુધીમાં 13 હજારથી પણ વધુ કન્યાઓને શિક્ષણ માટે સહાય પૂરી પાડવામાં આવી છે.

આર્થિક સ્થિતિ નબળી હોય કે વિધવા મહિલા અથવા માતા-પિતા અપંગ હોય અને દીકરીના શિક્ષણનો ખર્ચ ન ઉઠાવી શકતા હોય, તેવી કન્યાઓ કે તેમના વાલીઓ શક્તિ મિશનમાં અરજી કરે તો પૂરતી ચકાસણી કર્યા બાદ તે વિદ્યાર્થીનીની શાળામાં ફીની રકમ પહોંચતી કરવામાં આવે છે. છેલ્લા 17 વર્ષથી આ શિક્ષણ-યજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે.