પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર રહેશે. આ સમયે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હશે.  આજે સવારે કેજરીવાલ ગાંધી આશ્રમ જશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી દોઢ કિલોમીટરનો રોડ શૉ યોજશે. અરવિંદ કેજરીવાલના રોડ શોનુ નામ તિરંગા યાત્રા આપવામાં આવ્યું છે.


જ્યારે બાદમાં ત્રીજી એપ્રિલે  સવારે સાડા 10 વાગ્યે અરવિંદ કેજરીવાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જશે. બાદમાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજશે.  જોકે, મુલાકાત પહેલા આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી કે, અસામાજિક તત્વો અરવિંદ કેજરીવાલ પર હુમલો કરી શકે છે. જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી સુરક્ષા વધારવા માંગ કરાઇ છે.






ભગવંત માન અને કેજરીવાલનો આ રોડ શો આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને પાર્ટીના શંખનાદના રૂપમાં માનવામાં આવી રહ્યો છે. પાર્ટી નેતાઓના મતે બે મુખ્યમંત્રી એક સાથે આ રોડ શોમાં સામેલ થતા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધશે સાથે ગુજરાતના લોકોમાં એક મોટો સંદેશ જશે કે આમ આદમી પાર્ટી પુરી તાકાતથી વિધાનસભા ચૂંટણી લડવા જઇ રહી છે.


બીજી તરફ વહેલી ચૂંટણી યોજાશે તેવી અટકળો વચ્ચે આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જવાબ આપ્યો હતો. જીતુ વાઘાણીએ કહ્યું હતુ કે  પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બરમાં પૂર્ણ થશે. અમારી પાસે પૂરતો સમય છે.  થોડા દિવસ પહેલાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ પણ કહી ચૂક્યા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવ્યું છે. જેમાં 4 રાજ્યોની સત્તા પર ભાજપે કબજો કરતાં ચર્ચા શરૂ થઈ કે ગુજરાતની ચૂંટણી વહેલી યોજાઈ શકે.