Arvind Kejriwal Gujarat Visit:અમદાવાદ: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ પ્રવાસની શરૂઆત તેમણે ગાંધી આશ્રમથી કરી હતી. કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમમાં અડધો કલાક જેટલું રોકાયા હતાં. કેજરીવાલે કહ્યું હતું કે,આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો ત્યારે આવ્યો હતો. જેટલી વાર અહીં આવીએ છીએ એટલી વાર શાંતિનો અનુભવ થાય છે. 




બપોર બાદ  નિકોલથી અરવિંદ કેજરીવાલનો રોડ શો શરૂ થયો હતો. આ અંગે આમ આદમી પાર્ટીએ લખ્યું, “ગુજરાતમાં બદલાવનો શંખનાદ”. રોડ શો નિકોલ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી બાપુનગરબ્રિજ ડાયમંડ ચાર રસ્તા સુધી યોજાયો હતો. બંને નેતાની તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચ્યા હતા. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. રોડ શોને પગલે રૂટ પર તેમજ બંને નેતાનાં વાહન સાથે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘણા બધા લોકો રોડ શો જોવા ધાબા-છાપરાં પર ચડી ગયા હતા.




અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ-શોના રૂટને રોડ શો શરૂ થવાના બે કલાક પહેલાં ટૂંકાવી દેતાં અનેક સવાલો ઊભા થયા હતા. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બન્ને નેતાના રોડ શોને ટૂંકાવી દેવામાં આવ્યો છે અને હવે નિકોલ ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર મંદિરથી રોડ શો શરૂ થશે. આ પહેલાં રોડ શો નિકોલ ગામના ખોડિયાર મંદિરથી શરૂ કરીને ઠક્કરબાપાનગર બ્રિજના છેડા સુધી હતો. રોડ-શોના રૂટને ટૂંકાવવા અંગેનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી.