ATS Press Conference: જુનિયાર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર ગુજરાતના ઉમેદવારો અને તેમના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. લાખો લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ આરોપીઓને લઈને ગુજરાત એટીએસે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી છે. પેપર લીક મુદ્દે એટીએસ અધિકારી સુનીલ જોશીએ કહ્યું કે,  જે આરોપીઓ પકડાયા છે તે પહેલા પણ પકડાયેલ છે. અમે તેમના પર વોચ રાખી હતી. બાતમીનાં આધારે ટીમની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ અમારી ટીમ વડોદરા પહોંચી હતી અને સ્થળ ઉપરથી ૧૫ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


 



અમે પેપરના ફોટોને લઈને તમામની ચકાસણી કરી હતી. ગુજરાતના લોકોને જીત નાયક દ્વારા પેપરની કોપી આપવામાં આવી હતી. જીત નાયકને હાલ અમદાવાદમાં લઇ આવવાની તૈયારી કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના રાજ બારોટ(અરવલ્લી), પ્રણય શર્મા(અમદાવાદ), હાર્દિક શર્મા(સાબરકાંઠા) અને નરેશ મોહંતી (સુરત) સહિતના લોકો આ કૌભાંડમાં સામેલ છે.


એટીએસએ કહ્યું કે,  ગુજરાત પોલીસની તમામ યુનિટ SOG, ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ કાર્યરત હતી. અમે જુના આરોપીઓને સર્વેલન્સ કરતા હતા. કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી ઉપર અમે વોચ રાખી હતી. અગાઉ જે જિલ્લાઓમાં કેસ થયા હતા ત્યાં પણ અમે નજર રાખી હતી. અમને ખાનગી માહિતી મળી હતી કે પ્રદીપ નાયક ભાસ્કર અને કેતનને બરોડા ખાતે પેપર આપનાર હતો. જો કે, પેપરની વહેંચણી થાય તે પહેલા જ અમે આરોપીઓને પકડી પાડ્યા હતા. પેપર કબજે કર્યા બાદ ખરાઈ કરી તે બાદ સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો.


તો બીજી તરફ નાયકની તપાસમા સામે આવ્યું કે, હૈદરાબાદની પ્રેસમાં પેપર છપાતા હતા. જીત નાયકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના પણ બીજા આરોપી પકડાયા છે. કેતન અને ભાસ્કરની હાલ સુધીની ગુનાહિત માહિતી મળી છે. એક આરોપીની તપાસ માટે ટીમ ઓડિશા જવા રવાના કરાઇ છે. હાલમાં પેપરલીક આરોપી રાજ ઉર્ફે શિવમ બારોટના ઘરે પોલીસ પહોંચી છે. બાયડના ગાબટ રોડ પર આવેલા ફ્લેટ પર પૂછપરછ કરાઈ છે. બાયડના કેતન બાદ રાજ બારોટનું નામ પણ સામે આવ્યું છે. રાજ બારોટ આરોપી કેતન બારોટનો સાળો છે.  છેલ્લા ૧૫ દિવસથી સતત કેતન સાથે હતો રાજ બારોટ.