Junior Clerk Paper Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરએ પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં 30 પેપર ફૂટ્યા છે. વિધાર્થીઓ પેપર આપવા પહોંચે ત્યારે ખબર પડે છે કે પેપર ફૂટી ગયું. આ પેપર નહીં ગુજરાતના વિધાર્થીઓની કિસ્મત ફૂટી છે. પેપર ફૂટવામાં સરકારનો દોરી સંચાર છે. અમે ચૂંટણી વખતે પણ ભાજપ સામે યુવાઓને ચેતવ્યા હતા.


ભાજપ ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીને સરકારી નોકરી આપવા ઇચ્છતી નથી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની આવકનો મોટો ભાગ પોતાના બાળકો પાછળ ખર્ચ કરતા હોય છે. અમારી સરકાર હોત તો સાતમા પેટાળમાંથી પેપર ફોડનારાને શોધી કાઢત. યુવાનો હવે ચોરે ને ચૌટે ભાજપ સામે લડવા તૈયાર થઈ જાય. એક તો પહેલેથી જગ્યા ઓછી અને ઉમેદવારો વધું છે. આમ પેપર લીક મુદ્દે જગદીશ ઠાકોરે સરકારને આડે હાથ લીધી હતી.


પેપર લીક કાંડમાં સંડોવાયેલા ગુજરાતીઓના નામ આવ્યા સામે


પેપર લીક કેસમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે. ગુજરાતી આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી હોવાની વાત સામે આવી છે. આ પેપરકાંડમાં કુલ ચાર ગ્રૂપ સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટનસી સાથે જોડાયેલા છે. ગુજરાતી આરોપીઓ તેમના ગ્રુપના છે. પ્રદીપ નાયકનું એક ઓડીસાવાળું ગ્રૂપ છે. બિહાર લાઇનમાં મોરારી પાસવાનનું એક ગ્રૂપ છે જેમાંના સાતથી આઠ લોકો પકડાયા છે. જીત નાયકનું અન્ય ગ્રૂપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલુ છે. જીત નાયકની ધરપકડ સાથે અન્ય 15ની ધરપકડ કરવામાં આવી છે.


જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ


જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસની પકડમાં આવ્યો હોવાની વાત સામે આવી છે. ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ છે. બોગસ એડમિશન મામલે કેતન બારોટ જેલમાં રહી ચુક્યો છે. પેપર લીકનો આરોપી દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે. દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધો ચલાવતો હોવાની વાત સામે આવી છે. બાયડ અને અમદાવાદ ખાતે તેમની સંપત્તિ હોવાની વાત સામે આવી છે. હાલમાં ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે.


રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું


રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાના અહેવાલ મળ્યાં છે. આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર  એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે.









લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી.  રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા. રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.