અમદાવાદ:  સોમવારે વહેલી સવારના સમયે શાહીબાગમાં પોલીસ પર હુમલાની ઘટના બની હતી. દેવ દિવાળી નિમિતે યોજાયેલા ગરબા બંધ કરાવવા કોઈ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો. જેના પગલે પોલીસની ટીમ ગરબા બંધ કરાવવા ગઈ હતી. આ સમયે શાહીબાગ પોલીસના જવાનો પર 14થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. 


પોલીસે હુમલો, રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.  પોલીસે 14 પૈકી 12 આરોપીની ધરપકડ કરી લીધી છે.  ધરપકડ કરાયેલા 12 પૈકી ત્રણ મહિલા આરોપી છે. પોલીસે તમામની ધરપકડ કરી રિમાંડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસની ફરજમાં દખલગીરી કરીને પોલીસ પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. 


સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો, અમદાવાદ શહેરના  શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાની પરવાનગી શાહીબાગ પોલીસે 10 વાગ્યા સુધીની આપી હતી.  તેમ છતાં  લોકોએ વહેલી સવાર સુધી ગરબા ચાલુ રાખ્યા હતા. જેથી કોઈ સ્થાનિકે પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરતા શાહિબાગ પોલીસની એક ટીમ સ્થળ પર પહોંચી હતી. ગરબા બંધ કરવા માટે પોલીસ પહોંચી  ત્યારે હીરાલાલ ચાલીના લોકોએ પોલીસને ગરબા બંધ કરવાનો ઇનકાર કરતા પોલીસે સાથે ઘર્ષણ શરુ કર્યું હતું. જેમાંથી ટોળું એકઠું થઇને પોલીસની ટીમ પર ઘાતકી હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં PCR ના ઈન્ચાર્જ ASI અરવિંદ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. 


પોલીસ પર હુમલાના કેસમાં શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળું વિખેરી હુમલો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને હુમલો અને રાયોટિગનો ગુનો નોંધીને 2 મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે 2 આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.


 શાહીબાગ પોલીસની ટીમ પર થયેલ હુમલામાં એક ASI અરવિંદ ચાવડાને હાથના ભાગે ફેક્ચર અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અસામાજિક તત્વો અને ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.  પોલીસ પર થયેલા હુમલાની ઘટના બાદ શાહીબાગ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.