Ahmedabad News: અમદાવાદમાં રવિવારે શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસે યુવતીને કચડી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે આરોપી ગંભીરસિંહ સિસોદીયાની ધરપકડ કરી હતી. ખાનગી બસ પાલડીથી કચ્છના મુન્દ્રા જઈ રહી હતી. મળતી જાણકારી અનુસાર, પાલડીની પટેલ ટ્રાવેલ્સની ઓફિસથી બસ મુન્દ્રા જવા નીકળી હતી ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ડબલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 22 વર્ષીય હિરલબેનનું નિપજ્યુ મોત થયું હતું. પોલીસે બસ ચાલકે દારૂ પીધેલો હતો કે કેમ તે જાણવા માટે સેમ્પલ લીધા હતા. આરોપી ૧૦ વર્ષથી ટ્રાવેલ્સ ચલાવે છે, ૭ વર્ષથી પટેલ ટ્રાવેલ્સ સાથે જોડાયેલ છે.
શહેરના શિવરંજની ક્રોસ રોડ પર બસ ચાલકે ડબલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. જેમાં મંગેતરની સામે જ યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બપોરના સમયે યુવક અને યુવતી ઘરે જઈ રહ્યા હતાં ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસ યુવક-યુવતી પર કાળ બનીને ત્રાટકી હતી. બેફામ ગતિએ દોડી આવેલી બસે બાઈકને અડફેટે લેતા યુવક- યુવતી બંને નીચે પટકાયા હતા. જેમાં રોડ પર નીચે પટકાયેલી યુવતીના માથા પર બસનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિગ્નલ બંધ થવાની લ્હાયમાં ડ્રાઈવર પૂરઝડપે બસ ચલાવે છે જ્યારે સિગ્નલ બંધ થવાથી બાઈક ચાલક બાઇક ઉભું રાખે છે તેમ છતાં બસનો ચાલક બ્રેક માર્યા વગર જ બસને પૂરઝડપે દોડાવે છે. અકસ્માત સર્જી આરોપી ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો. જોકે આસપાસના સ્થાનિકોએ દોડીને ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ગઇકાલે અકસ્માત સર્જાયો હતો. પોરબંદર હાઇવે પર શ્રી કાળેશ્વર મહાદેવના મંદિર પાસે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યા સાઇકલ ચાલક શ્રમિકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. રાજકોટ થી પોરબંદર જતી મહાસાગર ટ્રાવેલ્સના બસ ચાલકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. ઉપલેટા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.