અમદાવાદઃ અગાઉ નામ માત્રથી ગુનેગારોને ધ્રુજાવતી ક્રાઇમબ્રાંચ પર હવે જીવલેણ હુમલા પણ થવા લાગ્યા છે. ખોખરાના ભાઇપુરામાં ચોરી અને મારામારી જેવા ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાંચની ટીમ પર આરકોપીના સાગરીતે હુમલો કરીને બે કોન્સ્ટેબલને લોહીલુહાણ કરી દીધા હતા. આટલું જ નહિ પોલીસે પકડી પાડેલા આરોપીને તેના સાગરીતો ભગાવી જતાં ક્રાઇમબ્રાંચનું નાક કપાયું છે. ઘાયલ કોન્સ્ટેબલોને હાલ એલજી હૉસ્પ્ટિલમાં સારવાર અર્થે ખસેડી ખોખરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કૉન્સ્ટેબલો પર શખ્સોએ દંડા અને તમંચાથી હુમલો કરાયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. હાલ બંને ફરાર આરોપીઓને શોધી કાઠવા માટે શહેરની નાકાબંધી કરી તપાસ શરૂ કરાઇ છે.


ખોખરાનો ભાઇપુરા વિસ્તાર મોટાભાગે દારૂ જુગારના ધંધા ચાલતા રહે છે. અહીં સ્થાનિક પોલીસ જવાની પણ હિંમ્મત દાખવતી નથી. ત્યારે ક્રાઇમબ્રાંચના ત્રણ કોન્સ્ટેબલ ભાઇપુરામાં શ્યામ બાબુરાવ જાદવ નામના શખ્સને પકડવા ગઇ ત્યારે ટીમના બે જવાનો પર હુમલો કરાયો. એક જમાનામાં વિશાલ ગોસ્વામી જેવા ગુનેગારોને ઉત્તરપ્રદેશમાં જઇને ઝડપી પાડતી ક્રાઇમબ્રાંચને જ હવે અમદાવાદના ગુનેગારો ગાંઠતા નથી તે વાત સાબિત થઇ છે. હવે ક્રાઇમબ્રાંચના જવાનો પર પણ ગુનેગારો હાથ અજમાવી ક્રાઇમબ્રાંચને લપડાક લગાવી રહ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એલ ચૌધરીની ટીમના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ, રમેશભાઈ અને જગદીશભાઈને બાતમી મળી કે, ચોરી અને મારામારીના ગુનામાં છેલ્લા લાંબા સમયથી વોન્ટેડ આરોપી શ્યામ બાબુરાવ નામનો શખ્સ ખોખરાના ભાઈપુરામાં તેના ઘરે આવ્યો છે. જેને લઇને ત્રણેય કોન્સ્ટેબલ ખાનગી કપડામાં તેને પકડવા ઘરે પહોંચી ગયા અને તેને ઝડપી પાડીને ક્રાઈમ બ્રાન્ચ આવવા નિકળતા હતા તે પહેલા જ શ્યામ બાબુરાવનો સાગરીત કાર્તિક ત્યાં ધસી આવ્યો અને કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને રમેશભાઈ પર દંડા અને તમંચાથી હુમલો કરી લોહીલૂહાણ કરી દીધા હતા.

ઘટના બાદ બુમાબુમથી હોબાળો મચતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ત્યારે ભીડનો લાભ લઈને કાર્તિક પોતાના સાગરીત શ્યામ બાબુરાવને પોલીસકર્મીઓના હાથમાંથી છોડાવીને ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતા તાત્કાલીક સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં અને હુમલા ખોર સહિત વોન્ટેડ આરોપીને પકડી પાડવા તપાસ શરૂ કરી અને બન્ને આરોપીઓને પકડી પાડવા માટે શહેરની નાકાબંદી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.