Australia PM Gujarat Visit:  ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોનીનો ભારતમાં પહેલો પ્રવાસ છે જેની શરૂઆત તેમને ગુજરાત અને અમદાવાદથી કરી. અમદાવાદ એરપોર્ટ પર તેમનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ પંચાલ, મેયર કિરીટ પરમાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી તેઓ સીધા ગાંધી આશ્રમ ગયા.


શૂઝ વગર જ ફર્યા પરિસરમાં


અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત  દરમિયાન અંદાજે 20 મિનિટ જેટલો સમય ગાળ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ગાંધી આશ્રમની ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ની મુલાકાત દરમિયાન સાથે રહ્યા. ઓસ્ટ્રલિયાના પ્રધાનમંત્રી એન્થોની ગાંધીજીની સાદગી અને સ્વચ્છતાના વાતાવરણથી પ્રેરિત થયા અને સમગ્ર પરિસરમાં શૂઝ વિના જ અલગ અલગ સ્થાનો પર ફર્યા. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ચરખો અને ખાદી અંગે પણ જાણકારી મેળવી હતી.




વિઝિટર બુકમાં શું લખ્યું


ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં સંદેશ લખ્યો. તેમણે લખ્યું, ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી લેવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.




ઓસ્ટ્રેલિયાના પીએમને શું અપાઈ ભેટ


ગાંધી આશ્રમ દ્વારા પ્રધાનમંત્રી એન્થોનીને ઓસ્ટ્રેલિયાના જ એક સંશોધક દ્વારા ગાંધીજીની મીઠા સત્યાગ્રહ બાબતે લખેલું ધ સોલ્ટ માર્ચ નામનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું અને ચરખાની રેપ્લિકા અપાઈ.




બંને દેશના વડાઓ સાથે બેસીને મેચ જોશે
ગુરુવારે નવ માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે. જેમાં તેઓ આજે અમદાવાદ આવી પહોંચશે. સાંજે ચાર વાગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓ સીધા ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આશ્રમની મુલાકાત લેશે., ત્યાર બાદ સીધા તેઓ હોટલ ખાતે જશે.


બંને PM  કોમેન્ટરી પણ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન જશે અને રાત્રિરોકાણ કરશે. આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8.30 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. બંને વડાપ્રધાન મેચમાં હાજર રહેશે. બે કલાક સુધી બંને વડાપ્રધાન મેચ નિહાળશે અને મેચ દરમિયાન તેઓ કોમેન્ટરી કરે એવી પણ શક્યતા છે.