Ahmedabad Protest: અમદાવાદ નજીક આવેલા સાણંદમાં આજે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. રાજ્યમાં સતત વધી રહેલા વેરાથી લોકો હેરાન પરેશાન છે, ત્યારે સાણંદ નગર પાલિકા દ્વારા સાણંદમાં વેરામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, આ વેરા વધારા સામે સ્થાનિકો અને વેપારીઓ સતત વિરોધ કરી રહ્યાં હતા, હવે આજે તેમને સાણંદ બંધનું એલાન આપ્યુ છે.
લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકો વિરોધ કરી રહ્યાં છે અને હવે આ મામલે વધુ એક મોટુ અપડેટ અમદાવાદના સાણંદમાંથી સામે આવ્યુ છે. અમદાવાદના સાણંદમાં આવતીકાલે લોકોએ વેરા વધારા મુદ્દે બંધનું એલાન બોલાવ્યુ છે. માહિતી પ્રમાણે, આજે એટલે કે શનિવારે લોકોએ પાલિકા દ્વારા વધારવામાં આવેલા વેરાઓના મુદ્દે બંધનું એલાન આપ્યુ છે. પાલિકાએ સાણંદમાં રહેણાંક વિસ્તારમાં 200 ટકા અને કૉમર્શિયલ વિસ્તારોમાં 400 ગણો વેરો વધારી દીધો છે, જેના કારણે સાણંદમાં સ્થાનિકો અને વેપારીઓએ પાલિકાના વેરા વધારાના નિર્ણય સહીયો સાથે વિરોધ કર્યો છે. આ વિરોધ અંતર્ગત આજે લોકો પોતાના વેપાર ધંધા અને રોજગારને બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યાં છે.
સાણંદ નગરપાલિકા દ્વારા વેરો બમણો કરવા મામલે આજે લોકોએ બાંયો ચઢાવી છે. વેપારીઓ અને સ્થાનિકો દ્વારા શાસકો ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે, ફેબ્રુઆરીમાં શાસકોની ટર્મ પૂર્ણ થયા બાદ નિમણૂક કરવામાં આવી નથી, હાલ સરકાર દ્વારા વહીવટદારનું શાસન અમલમાં મુકવામાં આવ્યું છે, સાણંદમાં કુલ સાત વોર્ડમાં 28 કાઉન્સિલર જેમાંથી 24 ભાજપના અને 4 કોંગ્રેસના કાઉન્સિલરો છે. નિયમ મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 6 મહિનામાં પૂર્ણ કરવાની હોય પણ સાણંદની સ્થિતિ કથળી ગઇ છે, અને લોકોની માંગ છે કે, સાણંદમાં જલદી ચૂંટણી થાય. લોકોનો આક્ષેપ છે કે, તમામ પ્રકારના વેરા વધારવામાં આવ્યા છતાં પણ તેની સામે સુવિધા શૂન્ય બરાબર મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023-24માં સાણંદ નગરપાલિકાએ પાણી વેરો, વાહનવ્યવહાર વેરો, ટેક્સ વેરો બમણો કરતા સાણંદ બંધનું એલાન આપાયુ છે. માત્ર દવાની દુકાનો અને શાકભાજીના લારી ગલ્લા ચાલુ જોવા મળ્યા છે. સ્થાનિકોએ પણ પાલિકાના નિર્ણયનો વિરોધ કર્યો છે. વધતી મોંઘવારી વચ્ચે પાલિકાએ સામાન્ય નાગરિકો અંગે વિચારણા કરવાની આવશ્યકતા છે.