અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાના માણકોલ ગામે આજે  રવિવારે કોરોનાના કારણે એક ૬૫ વર્ષીય પુરૂષનું મોત નિપજ્યું હતું. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં આ બીજુ મોત છે. રવિવારે બોપલમાં  કોરોના સંક્રમણના વધુ ૬ કેસ નોંધાયા હતા. દસક્રોઇ તાલુકામાં સૌથી વધુ ૩૭ કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બારેજા અને બોપલ પાલિકા વિસ્તારને રેડ ઝોનમાં મૂકી દેવાયો છે.


અમદાવાદ જિલ્લામાં દસક્રોઇ તાલુકામાં રવિવારે બોપલમાં કદમ ફ્લેટ, પરમધામ, પ્રતિક્ષા એપોર્ટમેન્ટ, મોરલ ફ્લેટમાંથી કોરોના પોઝિટિવના કેસ મળ્યા હતા. સાણંદના માણકોલ ગામે એક વ્યક્તિનું કોરોનામાં મોત થયું છે. જિલ્લામાં કુલ ૫૦ કેસ કોરોના પોઝિટિવના નોંધાઇ ચૂક્યા છે.

જિલ્લામાં રવિવારે ૧૬૬ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૬ કેસ પોઝિટિવ આવ્યા હતા. ૩૭૭ લોકોને  'હોમ કોરને્ટાઈન' કરાયા છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના જણાવ્યા મુજબજિલ્લામાં ૧૫ ગામોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યાં વધુ તકેદારી રખાશે.

રવિવારે જિલ્લાના તમામ ૪૬૪ ગામોમાં એકસાથે સેનેટાઇઝેશનની કામગીરી કરાઇ હતી. જેમાં જિલ્લાની ૧૬ લાખની વસ્તીને આવરી લેવાઇ છે.

૧૦૦ ફોગર મશીન, ૧ મોટુ વ્હિકલવાળુ કેનેન ફોગર મશીન, ૩૦૦ જેટલા નાના પંપ અને અન્ય ૫૦૦ વાહનોને અને  ગ્રામ યોદ્ધા કમિટી સહિતના ૨૦ હજાર લોકોને આ  મેરેથોન કોમમાં જોતરવામાં આવ્યા હતા.